26 જાન્યુ.પહેલાં વડોદરામાં ધમકીભર્યા મેલનો સિલસિલો,સ્કૂલ બાદ એક્સપ્રેસ હોટલને ઉડાવી દેવાની ધમકી
વડોદરાઃ વડોદરામાં ધમકીભર્યા મેલનો સિલસિલો આજે બીજા દિવસે જારી રહ્યો છે.નવરચના સ્કૂલ બાદ આજે અલકાપુરીની એક્સપ્રેસ હોટલને ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસે ચેકિંગ કર્યું હતું.
અલકાપુરી વિસ્તારમાં સ્વીમિંગ પુલ નજીક આવેલી એક્સપ્રેસ હોટલના મેનેજરે મેલ ચેક કરતાં હોટલમાં બોમ્બ મૂક્યો છે અને હોટલ ઉડાવી દઇશું તેવી ધમકી આપતો મેલ મળ્યો હતો.
મેનેજરે તરત જ પોલીસને જાણ કરતાં એસીપી ડી જે ચાવડા,સયાજીગંજના પીઆઇ ધાસુરા સહિતના અધિકારીઓ ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ,સાયબર સેલ સાથે હોટલ ખાતે દોડી આવ્યા હતા.પોલીસે હોટલ ખાલી કરાવી ત્રણ કલાક સુધી તમામ રૃમો,પાર્કિંગ, કિચન,ડાઇનિંગ હોલ તેમજ આસપાસના સ્થળો તપાસ્યા હતા.પરંતુ કાંઇ હાથ લાગ્યું નહતું.સયાજીગંજ પોલીસે આ અંગે વધુ તપાસ જારી રાખી છે
મનીકાવાસાગમ ના નામે રાતે 3.07વાગે કરેલો મેલ 11.50 વાગે જોયો
એક્સપ્રેસ હોટલને ઉડાવી દેવાનો મેલ મનીકાવાસાગમ રામાલિંગમ ના નામે આવ્યો હતો.આ મેલ રાતે ૩.૦૭ વાગે મોકલવામાં આવ્યો હતો.પરંતુ મેનેજરે બપોરે ૧૧.૫૦ વાગે ચેક કર્યો હતો.ટૂંકમાં લખાયેલા મેલમાં ધમકી આપી હોવાથી મેનેજરે તરત જ પોલીસને જાણ કરી હતી અને થોડી જ વારમાં પોલીસનો મોટો કાફલો હોટલ પર આવી ગયો હતો.
હરણી એરપોર્ટને પણ મેલ મળ્યા હતા, જેમાં સાયબર સેલને સફળતા મળી નથી
શહેરના હરણી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતા મેલ અગાઉ પણ મળ્યા હતા.જે બાબતે હરણી પોલીસે ગુનો પણ નોંધ્યો હતો.વડોદરા સાયબર સેલે ઇમેલની ડીટેલ મેળવી તપાસ કરી હતી.જો કે હજી સુધી તેમાં કોઇ સફળતા મળી નથી.