ગાંધીનગરમાં નશાબંધી કમિશનરની બોલિવૂડ સ્ટાઈલમાં ફેરવેલ પાર્ટીનો આયોજક કોણ? તપાસ પણ ન થઈ
Representative image |
Farewell Party Of IAS Officer In Gandhinagar: ગુજરાત સરકારના નશાબંધી વિભાગમાં કમિશનરપદેથી નિવૃત્ત થઈ રહેલા આઈએએસ અધિકારી એલ. એમ. ડીંડોરની ફેરવેલ પાર્ટી ગાંધીનગરના લેવિશ બેન્ક્વેટ હોલમાં રાખવામા આવી હતી. જે હવે અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. નશાબંધી વિભાગના વહીવટદારોએ 29મી જાન્યુઆરીએ સાંજે હાઉસ ઓફ યાંકી બેંકવેટ હોલમાં ગુજરાત સરકારની નશાબંધીની નીતિના ધજાગરા ઉડાડી દેવાયા હોવાનું પણ કહેવાય છે. મુંબઈમાં બોલીવુડ સ્ટાઈલની પાર્ટીમાં ડાન્સને દારૂની છોળો ઉડી હોવાની ચર્ચા છે.
આ પાર્ટીનું આયોજન કોણે કર્યું અને તેનું પેમેન્ટ કેવી રીતે અને કોણે કર્યું?
ફેરવેલ પાર્ટી નશાબંધી વિભાગના વહીવટદારોએ રાખી હતી અને તેનાં કાર્ડ બનાવીને વહેંચવામાં આવ્યાં હતાં. આ કાર્ડમાં નશાબંધી વિભાગના કમિશનરપદેથી નિવૃત્ત થઈ રહેલા ડીંડોરની ફેરવેલ પાર્ટીનું આયોજન કરાયું હોવાનો ઉલ્લેખ કરાયો હતો. પરંતુ પાર્ટીના નિમંત્રકો તરીકે કોઈનું નામ નહોતું. માત્ર નિવૃત્ત થઈ રહેલા અધિકારીની ફેરવેલ પાર્ટી રક્ષા શક્તિ બ્રિજ પાસેના હાઉસ ઓફ યાંકી બેંકવેટ હોલમાં રખાઈ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. એલ. એમ. ડીંડોર 31મી જાન્યુઆરીના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.
આ પણ વાંચો: કડક નિયમ અને તોતિંગ ટેક્સને પગલે ગુજરાતમાં એક વર્ષમાં લીકર પરમિટના અરજદારો 50% ઘટ્યાં
એલ. એમ. ડીંડોરની ફેરવેલ પાર્ટીનું આયોજન કોણે કર્યું અને તેનું પેમેન્ટ કેવી રીતે અને કોણે કર્યું એ વિશે કોઈ વિગતો બહાર આવી નથી અને સરકાર આ મુદ્દે આંખ આડા કાન કરીને બેઠી છે. એક બાજુ ગૃહ વિભાગ અને રાજ્યના પોલીસવડા પોલીસના વહીવટદારોની આંતરિક બદલી કરી રહ્યા છે. બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલ બુટલેગરોના ત્યાં દરોડા પાડી રહ્યા છે અને મોટો દાવો કરી રહ્યા છે કે ગુજરાતમાં હવે દારૂવાળાઓની ખેર નથી ત્યારે રાજધાનીમાં આવી પાર્ટી યોજાય એ એક આશ્ચર્ય છે.
ભરત યાદવની ફેરવેલ પાર્ટીની કોઈ તપાસ ના થઈ
નશાબંધી વિભાગના અધિકારીની લેવિશ ફેરવેલ પાર્ટી યોજાઈ હોય એવું પહેલી વાર નથી બન્યું. આ પહેલાં ભરત યાદવ નામના નશાબંધી ખાતાના અધિકારીનું ફેરવેલ પાર્ટીનું આયોજન નશાબંધી વિભાગના વહીવટદારોએ જ કર્યું હતું, પરંતુ તેમની સામે હજુ સુધી કોઈ પગલાં ભરાયા નથી. એલ. એમ. ડીંડોરના કેસમાં પણ નશાબંધી કમિશનરની ફેરવેલ પાર્ટીનું આયોજન પોલીસના જ વહીવટદારોએ આયોજન કર્યું છે તેની ગૃહ વિભાગે કોઈ નોંધ લીધી નથી કે તપાસ કરવામાં આવી નથી.