બાલાસિનોર તાલુકામાંથી બોગસ ડૉક્ટર અને કમ્પાઉન્ડર ઝડપાયા
- એલોપેથિક દવાનો જથ્થો જપ્ત
- એલોપેથિક દવા અને ઈન્જેક્શન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા
બાલાસિનોર : બાલાસિનોર ગ્રામ્ય વિસ્તારમાંથી મહીસાગર એસઓજીએ ડિગ્રી વિનાના બોગસ ડૉક્ટર અને કમ્પાઉન્ડરને ઝડપી પાડયા હતા. એસઓજીએ એલોપેથિક દવા સહિત રૂ.૧૨ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી બાલાસિનોર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.
બાલાસિનોર ગ્રામ્ય વિસ્તારમાં રાજેન્દ્રસિંહ જાલમસિંહ સોલંકી અને કમ્પાઉન્ડર અંબાલાલ રાયભણસિંહ ઝાલા (બંને રહે. મોકમજીના મુવાડા, બાયડ, જિ.અરવલ્લી) કોઈ જાતના મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વિના ડૉક્ટર તરીકે બિમાર લોકોને તપાસી એલોપેથિક દવા અને ઈન્જેક્શન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાની બાતમી મહીસાગર એસઓજીને મળી હતી. જેના આધારે એસઓજીએ મેડિકલ ઓફિસર અને ફાર્મસિસ્ટને સાથે રાખી ઈચ્છાના મુવાડા ચોકડી ખાતે બાઈક પરથી બોગસ તબીબ અને કમ્પાઉન્ડરને ઝડપી પાડયા હતા. બંને પાસેથી એલોપેથિક દવાનો જથ્થો સહિત રૂ.૧૨,૮૭૮નો મુદ્દામાલ જપ્ત કરી બાલાસિનોર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.