મહેસાણામાં પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ખોટા કોલ લેટર સાથે બોગસ ઉમેદવાર ઝડપાયો
Police Bharati 2025: ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે તે દરમિયાન મહેસાણા ખાતે એક બોગસ ઉમેદવાર પકડી પાડવામાં આવ્યો છે. ઉમેદવારે ટેક્નોલોજીના માઘ્યમથી ચેડાં કરી પોતાના નામનો ખોટો કોલલેટર બનાવ્યો હતો.
ઉમેદવારે ટેક્નોલોજીના માઘ્યમથી ચેડાં કરી પોતાના નામનો ખોટો કોલ લેટર બનાવ્યો હતો
સમગ્ર મામલે મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સતર્કતા દાખવીને બોગસ ઉમેદવારને પડકી પાડનાર પોલીસ અધિકારીને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ઇનામ આપશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્યમાં 8મી જાન્યુઆરીથી અલગ-અલગ 15 ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી પ્રક્રિયા ચાલી રહી છે.
આ કસોટી દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને સંપૂર્ણ પારદર્શિતા સાથે સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે ઉચ્ચ સ્તરીય મોનીટરીંગ સાથે ભરતી બોર્ડ દ્વારા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ સાથે પગલાં લેવામાં આવી રહ્યા છે.
દરમિયાન મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમેદવારોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન એક બોગસ ઉમેદવાર પકડી પાડવામાં આવ્યો છે. તેણે તેના મિત્રનો કોલ લેટરનો ઉપયોગ કરી બનાવટી તૈયાર કર્યો હતો. આ બોગસ ઉમેદવાર વિરૂદ્ધ મહેસાણા એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.