કોટડાસાંગાણીમાં પથ્થરની ખાણમાંથી યુવકની લાશ મળી : હત્યાની આશંકા
પિતાએ 2 યુવાનો સામે હત્યાનો આક્ષેપ કર્યો લાઠીના જરખીયા ગામે 50 ફૂટ ઊંડા કૂવામાં ટોડા ગામના નાગરિકનો મૃતદેહ મળી આવ્યો; પોલીસ દ્વારા હાથ ધરાતી તપાસ
કોટડાસાંગાણી, અમરેલી, : કોટડાસાંગાણીમાં ત્રણ યુવાનો રાત્રિના સમયે માતાજીના મંદિરે ગયા બાદ બે યુવાનો ઘરે આવી ગયા હતા પરંતુ ત્રીજો યુવાન ઘરે ન આવતા યુવાનની માતાએ પોલીસને જાણ કરતા પોલીસે શોધખોળ કરતા આ યુવાનની પથ્થરની ખાણમાંથી લાશ મળી આવતા તેના પિતાએ તેની સાથે ગયેલા બે યુવાનો સામે શંકા રાખી હત્યાનો આક્ષેપ કરતા પોલીસે મૃતકની લાશ ફોરેન્સિક પી.એમ. માટે મોકલી છે. બીજા એક બનાવમાં લાઠીના જરખીયા ગામે ટોડા ગામના નાગરિકની 50 ફૂટ ઊંડા કૂવામાંથી લાશ મળી આવી છે.
કોટડાસાંગાણીમાં અજય, બબ્બર અને અર્જુન નામના ત્રણ મિત્રો સોમવારની રાત્રિએ માતાજીના મંદિરે ગયા હતા. આ પૈકી અજય અને બબ્બર રાતે ઘરે આવી ગયા હતા પરંતુ અર્જુન ન આવતા અર્જુનના પિતા સવસીભાઈએ અર્જુન વિશે અજય અને બબ્બરને પૂછતા તેણે કહ્યું કે અર્જુન અમારી પહેલા ઘરે આવી ગયો છે. જો કે તે ઘરે આવ્યો ન હતો. આથી અર્જુનની માતા હેમુબેને પુત્ર ઘરે ન આવ્યા અંગેની જાણ કરતા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. આખરે પોલીસને અર્જુનની લાશ પથ્થરની ખાણમાંથી મળી આવી હતી. આ ઘટના અંગે અર્જુનના પિતા સવસીભાઈએ તેના બે મિત્રો સામે આંગળી ચીંધી હત્યાનો આક્ષેપ કરતા પોલીસે લાશનું ફોરેન્સિક પી.એમ. કરવા રાજકોટની મેડિકલ કોલેજમાં લાશ મોકલી આપી છે. જેનો રિપોર્ટ આવ્યે આગળની કાર્યવાહી હાથ ધરાશે. મૃત્યુ પામનાર અર્જુનની ઉંમર 23 વર્ષની અને તે ચાર ભાઈઓમાં સૌથી નાનો છે.
લાઠી તાલુકાના જરખિયા ગામે ઈશ્વરભાઈ આસોદરિયાના કૂવામાંથી લાશ મળી આવતા પોલીસે લાશનો કબજો લીધો હતો. આ લાશ લાઠી તાલુકાના ટોડા ગામના પરેશભાઈ કેશુભાઈ વાઘેલાની હોવાનું બહાર આવ્યું છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરવામાં આવી છે.