જામજોધપુરના વાંસજાળીયા રેલ્વે સ્ટેશન નજીકની રેલવે લાઇન પરથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપડ્યો
image : Freepik
Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળીયા રેલવે સ્ટેશન નજીકની રેલવે લાઇન પરથી આશરે 35 વર્ષની વયના અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપડ્યો છે. જે મામલે જામજોધપુર પોલીસ તપાસ ચલાવે છે.
જામજોધપુર તાલુકાના વાંસજાળીયાથી ભાણવડ તરફ જતી રેલ્વે લાઈન પરથી 35 વર્ષની વયના અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપડ્યો છે. જે પોરબંદર તરફ જતી ટ્રેન હેઠળ કપાઈ જતાં તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર થયું છે. જામજોધપુરના મહિલા પીએસઆઇ એમ.એલ.ઓડેદરા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૃતકની ઓળખ કરવા માટે મૃતદેહને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખ્યો છે.
મૃતક યુવાન રંગે-શ્યામવર્ણો, ઉંચાઈ-5.6" અને શરીરે મધ્યમ બાંધાનો છે. જે શરીરે બદન ઉઘાડો તથા બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલો છે. અને બ્રાઉન કલરનો બેલ્ટ પહેરેલ છે. જેના ડાબા હાથની કલાઇ ઉપર અંગ્રેજીમાં “આર” ત્રોફાવેલું છે.
ઉપરોક્ત વર્ણન વાળી વ્યક્તિની કોઈને જાણકારી હોય તો જામજોધપુરના પી.એસ.આઇ એમ.એલ.ઓડેદરાનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.