રતનપર ભોગાવો નદીમાંથી અજાણ્યા યુવકની લાશ મળી
વાલી- વારસ સોધવા પોલીસની તજવીજ
ત્રણ- ચાર દિવસથી પાણીમાં પડી રહેતા કોહવાયેલા મૃતદેહને પીએમ અર્થે મોકલાયો
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તાર સહિત તાલુકાઓમાંથી બિનવારસી હાલતમાં લાશો મળી આવવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે રતનપર વિસ્તારમાંથી પસાર થતી ભોગાવો નદીના ગંદા પાણીમાંથી એક અજાણ્યા યુવકની કોહવાય ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેની જાણ જોરાવરનગર પોલીસને કરવામાં આવતાં સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથધરી હતી.
રતનપર વિસ્તારમાંથી પસાર થતી ભોગાવો નદીના પાણીમાં એક અજાણ્યા યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ પડી હોવાની જાણ ત્યાંથી પસાર થતાં વાહનચાલકો સહિત લોકોને થતાં આ અંગે જોરાવરનગર પોલીસને જાણ કરી હતી. આથી પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને યુવકની લાશને નદીમાંથી બહાર કાઢી તપાસ હાથધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં લાશ કોહવાય ગયેલી હાલતમાં હોવાથી ઓળખ કરવી મુશ્કેલ બની હતી તેમજ ત્રણ-ચાર દિવસથી પાણીમાં હોવાનું પણ જણાઈ આવ્યું હતું. આથી લાશનો કબ્જો લઈ પીએમ અર્થે સરકારી હોસ્પીટલે ખસેડી વધુ તપાસ આરંભી હતી તેમજ અજાણ્યા યુવકના વાલી વારસને શોધવાની પણ તજવીજ શરૂ કરી હતી.