સચીનમાં ગુમ થયેલા બે વર્ષના બાળકની ખાડીમાંથી લાશ મળી
- બાળક બોલ રમતા રમતા ગટરની ખાડીમાં પડી ગયો, બે દિવસ શોધખોળ બાદ લાશ્કરોને લાશ મળી
સુરત :
સચીનમાં તંલગપુરગામમાં સોમવારે સાંજે ૨ વર્ષીય બાળક બોલ રમતા રમતા ગુમ થઇ ગયો હતો. બાદમાં આજે સાંજે ઘર નજીકના ગટરની ખાડી માંથી બાળકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ મુળ ઓરીસ્સાના ગંજામના વતની અને હાલમાં સચીનમાં તંલગપુરગામમાં પ્રાથમિક શાળા પાસે રહેતા મનોજ ગોંડનો ૨ વર્ષીય પુત્ર શુભમ સોમવારે સાંજે ઘર નજીક બોલ રમતો હતો. બાદમાં બાળક નહી દેખાતા તેના પરિવાર અને આજુ બાજુના લોકો ચિંતાતુર થઇને શોધખોળ આદરી હતી. પણ તેની ભાળ મળી ન હોવાથી પરિવારે પોલીસને જાણ કરી હતી. બાદમાં કોઇને શંકા ગઇ કે બાળક નજીકમાં આવેલી ગટરની ખાડીમાં પડી ગયો હશે. જેથી ફાયર બિગ્રેડને જાણ કરતા ત્યાં પહોચીને તેની મોડી સાંજ સુધી શોધતા મળ્યો નહી, બાદમાં આજે વહેલી સવારે ફાયરજવાનો ફરી ત્યાં જઇને શોધખોળ કરી હતી. બાદમાં જે.સી.બી મશીન વડે ખાડ ઉપરના સિમેન્ટના ઢાંકણો ખસેડીને બાળકને શોધ્યો હતો. બાદમાં સાંજે બાળકનો ખાડી માંથી મૃતદેહ ફાયરે કાઢીને પોલીસે સોપ્યો હતો અને મૃતદેહને સિવિલ ખાતે ખસેડાયો હતો. જયારે બાળક પરિવારનો એકને એક લાડકવાય પુત્ર હતો. જોકે તેના મોતને લીધે પરિવારજનો માતમ છવાઇ ગઇ હતી. બાળકના પિતા સંચાખાતામાં કામ કરે છે. આ અંગે સચીન જી.આઇ.ડી.સી પોલીસે તપાસ હાથ ધરી છે.