વિરપુરના ધોરાવાળાની કેનાલમાં ડૂબેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો
- બે મિત્રોને પાણીની તરસ લાગતા કેનાલમાં પાણી પીવા ઉતરતાં સમયે બે પૈકી એક મિત્ર બચી ગયો હતો
તેમાંથી એક મિત્ર જેમ તેમ બહાર નિકળી ગયો હતો. જ્યારે બીજો પ્રવાહમાં તણાયો હતો આ યુવકનો મૃતદેહ શુક્રવાર વહેલી સવારે નહેરમાંથી મળી આવ્યો હતો.બાલાસિનોર તાલુકાના કેળી પંથકમાં રહેતા ૪ યુવાન ગુરૂવારના રોજ વિરપુરના ધોરાવાળા ગામ ખાતે આવેલી કેનાલની પાસે વેળાની વેલો લેવા માટે આવ્યાં હતાં.આ ચાર યુવક કેનાલ પાસેથી પસાર થતાં હતાં તે સમયે બે મિત્રને પાણીની તરસ લાગતાં તેઓ કેનાલમાં પાણી પીવા ઉતર્યાં હતાં. જોકે, તે સમયે પગ લપસતા બન્ને મિત્રો કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા પરંતુ હાજર અન્ય મિત્રએ એકને બચાવી લીધો હતો. પરંતુ રાજસિંહ દેવાભાઈ મારવાડી (ઉ.વ.૨૨, રહે.કેડી, તા.બાલાસિનોર) પાણીમાં ગરકાવ થતા તેની શોધખોળ હાથ ધરી હતી પણ મોડી રાત સુધી તેની કોઇ ભાળ ન મળતાં અભિયાન અટકાવી દેવામાં આવ્યું હતુ પરંતુ શુક્રવારની વહેલી સવારે ૪ વાગ્યાની આસપાસ ઘટનાથી થોડે પાણીમાં રાજસિંહનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો.
આ ઘટનાના પગલે વિરપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તરવૈયાની મદદથી લાશને બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી.જોકે, રાજસિંહના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરવાની ના પાડતાં પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.