માતરના ભલાડામાં કુવામાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
- 19 વર્ષના યુવકની હત્યા કે આત્મહત્યાનું રહસ્ય અકબંધ
- બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો : યોગ્ય તપાસ ન કર્યાના આક્ષેપ સાથે પોલીસનો ઘેરાવ
માતર તાલુકાના ભલાડા ગામે પંચાયત ઓફિસની પાછળ ૪૭ વષય પ્રકાશભાઈ શીવાભાઈ રાવળ રહે છે. તેમનો સૌથી નાનો પુત્ર જયદીપ ઉર્ફે જલ્લુ (ઉ.વ.૧૯) ગત ૧૪મી એપ્રિલના રોજ પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા સિવાય ઘરેથી નીકળી ગયો હતો. જેની લાપતા નોંધ પરિવારજનોએ લીંબાસી પોલીસ મથકે નોધાવી હતી. આજે બુધવારે બે દિવસ બાદ જયદીપ ઉર્ફે જલ્લુનો મૃતદેહ ગામના ભાગોળે આવેલા અવાવરું કુવામાંથી મળી આવ્યો છે. જેના પગલે ગામમાં ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ લીંબાસી પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી. જ્યારે આ ગુમ કેસમાં પોલીસે યોગ્ય તપાસ ન કરી હોય અને પરીવારે વારંવાર દિકરાની કોલ ડીટેઈલ્સ તપાસ કરી અને છેલ્લા કોની સાથે કર્યો છે તે અંગે પણ તપાસ કરવા જણાવ્યું હતું, છતાં પોલીસે તપાસમાં કોઈ રસ દાખવ્યો ન હોવાનો આક્ષેપ કરી ગ્રામજનોએ પોલીસનો ઘેરાવ કર્યો હતો. બાદમાં સમજાવટ બાદ મામલો થાળે પાડયો હતો. હાલ આ મામલે પોલીસે અપમૃત્યુનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પરીવારજનોના જણાવ્યા મુજબ દિકરો ખૂબ સરળ સ્વભાવનો હતો અને કોઈએ તેની હત્યા કરી હોય તેવી આશંકા પણ વ્યક્ત કરી છે. હવે આ હત્યા છે કે આત્મહત્યા? તે અંગે યોગ્ય તપાસ બાદ જ સાચી વિગતો સામે આવશે.
પોલીસે યોગ્ય તપાસ કરી હોત તો દિકરો અમારી વચ્ચે હોતઃ મૃતકના પિતા
આ સમગ્ર મામલે મૃતક યુવકના પિતા પ્રકાશભાઈ રાવળે જણાવ્યું કે, બે દિવસ પહેલા સવારે ૯ વાગ્યાના અરસામાં મારા ઘરેથી પુત્ર ગુમ થયો હતો. પોલીસમાં તે જ સમયે અમે જાણ કરી હતી. જે બાદ મોડી સાંજે ગુમ જાણવાજોગ પોલીસે દાખલ કરી હતી. પોલીસ દ્વારા આ ગુમ જાણવા જોગને લઈને કોઈપણ કાર્યવાહી કરી નથી જો જે તે સમયે કોલ ડીટેલ્સ દ્વારા કામગીરી કરાઈ હોત તો આજે મારો પુત્ર મારી વચ્ચે હોત. ગામમાં સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં છે. હવે અમને ન્યાય મળે બસ એટલુ જ ઇચ્છીએ છીએ.
જાણ થયાના બે દિવસ સુધી ધારાસભ્ય કલ્પેશ પરમાર ફરક્યા નહીં હોવાનો આરોપ
આ સિવાય દિકરો ગુમ થયાનું માલુમ પડયા બાદ તુરંત માતર ધારાસભ્ય અને ગામના અગ્રણી કલ્પેશભાઈ પરમારને પણ આ સંદર્ભે પરીવારે જાણ કરી હતી. પરંતુ પોલીસ અને ધારાસભ્યએ તપાસ ચાલુ છે જણાવી માત્ર સાંત્વના આપી હતી. ધારાસભ્ય અને પોલીસ યુવકના ગુમ થવાની જાણ થયાથી મૃતદેહ મળવા સુધીના બે દિવસના સમયગાળા સુધી આ વિસ્તારમાં ફરક્યા પણ ન હોવાના આક્ષેપ ઉઠયા છે.
કુવાની આસપાસ બે સ્થાનોએ સીસીટીવી બિનઉપયોગી
જે અવાવરુ કુવામાંથી મૃતદેહ મળ્યો છે, ત્યાં આસપાસ ૨ સ્થાને સીસીટીવી લગાવેલા છે. પરંતુ અહીંયા તપાસ કરતા સીસીટીવીનું કોઈ રેકોર્ડીંગ સ્ટોર ન થતુ હોવાનું સામે આવ્યુ છે. આ વચ્ચે પરીવારજનોએ એમ પણ આક્ષેપ કર્યો છે કે, મૃતદેહ લાવીને કુવામાં ફેંકવામાં આવ્યો છે. જેથી આ અંગે હત્યા કરાઈ હોવાની પ્રબળ શક્યતાઓ છે.