કચ્છમાં વૉટર લેવલ સરવે હાથ ધરવા ગયેલી બોટ પલટી, GHCLના 3 કર્મી 16 કલાકે જીવતા મળ્યાં
Kutch News: કચ્છના મુધાન નજીક ખાડી વિસ્તારનો સર્વે કરી રહેલા ખાનગી કંપની GHCLના ત્રણ કર્મચારીઓ મોડી રાત્રે ખાડી વિસ્તારમાં બોટ પલટી જતાં ગુમ થઈ ગયા હતા. BSF અને પોલીસ સહિતની એજન્સીઓ 16 કલાક સુધી કરેલી શોધખોળ બાદ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પિલર નંબર 1170 પાસે ત્રણેય કર્મચારીઓ સુરક્ષિત મળી આવ્યા હતા.
ત્રણેય કર્મચારીઓ સાથે સંપર્ક તૂટી ગયો હતો
મુધાન અને હાજીપીરના સરહદી વિસ્તારોમાં પાણીના સ્તરનો સર્વે કરી રહેલા GHCLના એન્જિનિયર કરણસિંહ ઋતુરાજસિંહ જાડેજા, સર્વેયર રવિન્દ્ર કાલુરામજી ખૈરેતિયા અને ઓપરેટર આદર્શકુમાર લાલપ્રસાદ શુક્રવારે સર્વે બાદ પાણીના સ્તર માપવા માટે આટપાટા ખાડી વિસ્તારમાં ગયા હતા. આ દરમિયાન, મોડી રાત્રે તેમની બોટ અચાનક પલટી ગઈ અને આ ત્રણ કર્મચારીઓનો કંપનીના અધિકારીઓ સાથેનો સંપર્ક તૂટી ગયો. બીજી તરફ, ત્રણેય કર્મચારીઓ સાથે સંપર્ક તૂટી ગયા બાદ અધિકારીઓ પણ ચિંતિત બન્યા. કંપનીના અધિકારીઓએ તાત્કાલિક બીએસએફ, પોલીસ અને જિલ્લા કલેક્ટરનું ધ્યાન આ ઘટના તરફ દોર્યું.
આ પણ વાંચો: મહાકુંભ માટે ગુજરાતથી 5 નવી બસો શરૂ કરાશે, જાણો ક્યારથી શરૂ થશે બુકિંગ
પોલીસ અને BSFએ આ વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. 16 કલાકની શોધખોળ બાદ BSF જવાનોએ ગુમ થયેલા ત્રણેય કર્મચારીઓને પિલર નંબર 1170 નજીક આટપાટા ક્રીક વિસ્તારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.