ગંગા નદીમાં બોટ ડૂબી જતાં અફરા-તફરી, 4 લોકોનો કોઈ અતોપતો નહીં, 13ને સુરક્ષિત બચાવાયા
Image : Pixabay |
Boat Capsized in Bihar: બિહારમાં ગંગા નદીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રખ્યાત ઉમાનાથ ગંગા ઘાટ પર લોકોથી ભરેલી બોટ પલટી ગઈ છે. બોટ પલટી જવાને કારણે ચાર લોકોનો કોઈ અતોપતો હાલમાં મળી રહ્યો નથી જ્યારે 13ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.
બોટમાં 17 લોકો સવાર હતા
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોટમાં કુલ 17 લોકો સવાર હતા. લોકોને બચાવવા માટે અલગ-અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લાપતા લોકોની શોધખોળ કરી રહી છે. આ દુર્ઘટનાને લઈને પ્રશાસને હજુ સુધી કોઈ નિવેદન જાહેર કર્યું નથી. ઉલ્લેખનીય છે કે ગંગા દશેરાના અવસર પર મોટી સંખ્યામાં ભક્તો ગંગામાં સ્નાન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે.
લોકો સ્નાન કરવા ઉમટી પડ્યા હતા
આજે મોટી સંખ્યામાં ભક્તો ગંગા સ્નાન કરવા ઘાટ પર પહોંચ્યા હતા. પાણી ભરાયેલા ઉમાનાથ ઘાટ પર પણ લોકો સ્નાન કરવા ઉમટી પડ્યા હતા. ગંગાના બંને કાંઠે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. લોકો બોટમાં મારફતે નદીના આ અને પેલા કાંઠે આવતા-જતા હતા. આ દરમિયાન એક બોટ કાબૂ બહાર થઈ ગઈ અને ગંગાની વચ્ચે પલટી મારીને ડૂબી ગઈ હતી. ત્યારબાદ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.