ભાવનગરમાં કાલથી ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
- ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 11 દિવસ વ્હેલી પરીક્ષા યોજાશે
- ધો. 10 માં ગુજરાતી સહિતની પ્રથમ ભાષા, ધો. 12 સા.પ્ર.માં સહકાર પંચાયત, અર્થશાસ્ત્ર, ધો. 12 વિ.પ્ર.માં ભૌતિક વિજ્ઞાનનું પેપર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં આગામી તા.૨૭થી બોર્ડ પરીક્ષાનો વિધિવત પ્રારંભ થશે. બોર્ડ પરીક્ષાને લઈ તાજેતરમાં જ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ભાવનગર જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક મળી હતી. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરીક્ષાનો એક્શન પ્લાન રજૂ કરાયો હતો. ભાવનગર શહેર અને જિલ્લા કક્ષાએ ધો.૧૦માં મુક્તાલક્ષ્મી કન્યા વિદ્યાલય, માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ અને મહુવાના કે.જી. મહેતા કન્યા વિદ્યાલય ખાતે ઝોનલ કચેરી કાર્યરત કરવામાં આવી છે, જે અંતર્ગત કુલ ૧૪૧ બિલ્ડીંગના ૧૩૧૯ બ્લોકમાં નોંધાયેલાં ૩૭,૩૭૩ રેગ્યુલર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એ જ રીતે ધો.૧૨ સા.પ્ર. અને વિ.પ્ર. માટે માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ અને મોડેલ સ્કૂલ તળાજા એમ બે ઝોનલ કચેરી કાર્યરત કરાઇ છે. ધો.૧૨ સા.પ્ર.માં ૬૨ બિલ્ડીંગના ૫૭૬ બ્લોકમાં ૧૭,૩૧૮ વિદ્યાર્થી જયારે ધો.૧૨ વિ.પ્ર.માં ૩૦ બિલ્ડીંગના ૩૨૧ બ્લોકમાં ૬,૩૬૬ વિદ્યાર્થી પરીક્ષા આપશે.
ઉલ્લેખનિય છે કે, આ વર્ષે ભાવનગર શહેર અને જિલ્લામાં નોંધાયેલાં બોર્ડ પરીક્ષાર્થીઓની સંખ્યા જોતાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે ધો.૧૦માં ૧,૮૪૦, ધો.૧૨ વિ.પ્ર.માં ૮૭૬ વિદ્યાર્થીનો વધારો વધારો થયો છે. તો ધો.૧૨ સા.પ્ર.માં ૨,૧૫૨ છાત્રોનો ઘટાડા નોંધાયો છે. આગામી તા.૨૭ને ગુરૂવારથી શરૂ થનાર પરીક્ષામાં ધો.૧૦ માટે પ્રથમ પેપર પ્રથમ ભાષાનું રહેશે જે નો સંમય સવારના ૧૦ કલાકથી બપોરના ૧.૧૫ કલાક સુધીનો રહેશે. જયારે, ધો.૧૨ સા.પ્ર.માં સવારના ૧૦. ૩૦ કલાકથી બપોરના ૧.૪૫ કલાકના સેશનમાં સહકાર પંચાયત અને બપોરે ૩ થી ૬.૧૫ કલાકના બીજા સેશનમાં અર્થશાસ્ત્રનું પેપર રહેશે. જ્યારે ધો.૧૨ વિ.પ્ર.માં બોપેરે ૩ થી ૬.૩૦ કલાકના બપોરના સેશનમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર રહેશે. આ તમામ પરીક્ષા સંપૂર્ણ પરીક્ષા સીસીટીવી કેમેરાની નિગરાનીમાં અને રેકોર્ડીંગ સાથે યોજાશે. જો કે, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ વિષયવાર અલગ પડાતા વિવિધ વિષય પ્રમાણે બેઠક અને બિલ્ડીંગ-બ્લોક પણ બદલાતા વિદ્યાર્થીઓની કસરત વધી હતી.તો, આ તરફ બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા વહિવટી તંત્રએ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.
ધો. 10 ના ગુજરાતી પેપરમાં 30,052 અને અંગ્રેજીમાં 2052 છાત્રો
આગામી તા.૨૭મીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે પ્રથમ દિવસે ધો.૧૦માં પ્રથમ ભાષાનું પેપર છે જેમાં ગુજરાતી વિષયમાં ભાવનગર જિલ્લામાંથી ૩૦૦૫૨ અને અંગ્રેજી વિષયમાં ૨૦૫૨ વિદ્યાર્થી પરીક્ષા આપશે. જ્યારે ધો.૧૨ સા.પ્ર.માં પ્રથમ પેપર સહકાર પંચાયતમાં ૧૧૧ અને બીજી સેશનમાં અર્થશાસ્ત્ર વિષયમાં ૯૨૭૭ વિદ્યાર્થી નોંધાયા છે. જ્યારે ધો.૧૨ વિ.પ્ર.માં પ્રથમ પેપર ભૌૈતિક વિજ્ઞાાન વિષયમાં ૫૩૭૨ વિદ્યાર્થી પરીક્ષા આપશે.
અકસ્માતના કિસ્સામાં વિદ્યાર્થી માટે 5 સભ્યોની કમિટી સ્ટેન્ડબાય રખાશે
બોર્ડની પરીક્ષા દરમિયાન જો કોઇ વિદ્યાર્થીને અકસ્માત થાય કે ઇજા પહોંચે તેવા કિસ્સામાં વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત ન રહે તે માટે પરીક્ષાલક્ષી તમામ સંલગ્ન કાર્યવાહી કરવા પાંચ સભ્યોની ટીમ ડીઇઓ દ્વારા બનાવાઇ છે જે પંચરોજકામ કરી પરીક્ષાર્થીની યોગ્ય કાર્યવાહી કરવામાં મદદરૂપ થશે. આજે ધો.૧૦નો ૧ અને ધો.૧૨ના બે વિદ્યાર્થીને જરૂરિયાત મુજબ લહિયા રાઇટરની મંજૂરી આપવામાં આવી હતી.
વિ.પ્ર.ના તમામ કેન્દ્રો પર વર્ગ-૧, ૨ અધિકારી ઓબ્ઝર્વર રહેશે
બોર્ડની પરીક્ષા તા.૨૭મીથી શરૂ થવા જઇ રહી છે ત્યારે ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહના તમામ ૩૦ પરીક્ષા કેન્દ્રો પર વર્ગ-૧ અને ૨ના અધિકારીઓ ઓબ્ઝર્વર તરીકે ફરજ બજાવશે. જ્યારે ગાંધીનગરથી બે ફલાઇગ સ્ક્વોડ પણ ભાવનગર જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રોની આકસ્મિક મુલાકાત લેશે.
આજે બપોરે પરીક્ષાર્થી કેન્દ્ર, બેઠક જોઈ શકશે
આગામી તા.૨૭થી એસએસસી અને એચએસસી પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. પરીક્ષા માટે વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષા કેન્દ્ર અને બ્લોકથી પરિચિત થાય તે માટે તા.૨૬ને બુધવારે બપોરે ૨.૩૦થી ૫ કલાક સુધી તમામ પરીક્ષા કેન્દ્રો ખુલ્લા રાખવા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સૂચના જારી કરાઇ છે. આ દિવસે પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ખાતે વર્ગખંડની બહારથી જોઇ શકશે.