અલંગમાં ઓઈલ પ્રોસેસ કરવાના ખાડામાં બ્લાસ્ટ, બે શ્રમિક દાઝ્યા
- બ્લાસ્ટ થતાંની સાથે જ બાજૂમાં પડેલાં ઓઈલમાં આગ લાગી
- અલંગ અને તળાજા ફાયર બ્રિગેડે ચાર ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી, બન્ને શ્રમિકોની સ્થિતિ સ્થિર : મોટી દૂર્ઘટના ટળી
બનાવની વિગત એવી છે કે, અલંગ ખાતે આવેલા અમીનભાઈ વસાયાની માલિકીના ઓઈલ પ્રોસેસ કરવાના ખાડામાં આજે સવારના સુમારે ઓઈલ એન્જિનમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થતાની સાથે આસપાસમાં પડેલાં ઓઈલ સળગી ઉઠતાં આગ લાગી હતી.જયારે, જોતજોતામાં બ્લાસ્ટ અને બાદમાં આગના બનાવના કારણે ખાડા તથા આસપાના વિસ્તારોમાં રીતસર નાસભાગ મચી હતી. બનાવની જાણ થતાં જ અલંગ અને તળાજા ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતા.અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયરની ટીમે ચાર ગાડી પાણી છાંટી આગને કાબૂમાં લીધી હતી. જો કે, સમયસર આગ કાબૂમાં આવતાં મોટી દૂર્ઘટના થતાં અટકી હતી. આ તરફ, આ બ્લાસ્ટના કારણે ખાડામાં કામ કરી રહેલા અજય ભાલીયા અને દીપેશ જોશી દાઝી ગયા હતા. બન્ને શ્રમિકોને સારવાર અર્થે તત્કાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જયાં બન્નેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મલેલ છે. જો કે, આગ અને બ્લાસ્ટમાં થયેલી નુકશાનીનો આંક જાણવા મળ્યો નથી