Get The App

અંકલેશ્વરની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં ચાર કર્મચારીના કરૃણ મોત

એક કર્મચારીનું અડધું અંગ કંપની બહાર ૬૦ ફૂટ દૂર ઝાડીઓમાં પડયું ઃ અન્યના હાથ, પગ છૂટા થઇ ગયા

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
અંકલેશ્વરની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં ચાર કર્મચારીના કરૃણ મોત 1 - image

અંકલેશ્વર તા. ૩ અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એક વખત સર્જાયેલી ઔદ્યોગિક દુર્ઘટનામાં ચાર કર્મચારીના મોત નિપજ્યા હતા. ડેટોક્સ ઇન્ડિયા પ્રા. લિ. કંપનીમાં આજે બપોર પ્રચંડ બ્લાસ્ટની ઘટનામાં ં ચાર કર્મચારીના મોત જ્યારે અન્ય કેટલાક કર્મચારીઓ ઈજાગ્રસ્ત થતા અફરાતફરી મચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ કંપનીના એમ.ઈ.ઈ. (મલ્ટી ઇફેક્ટિવ ઇવોપ્રેટર) પ્લાન્ટમાં એફલુઅન્ટ ફીડ ટેન્ક ઉપર વેલ્ડિંગની કામગીરી દરમિયાન બ્લાસ્ટ થયો હતો. બનાવ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરો તેમજ ડેપ્યુટી સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસ કાફલાએ પણ ઘટનાસ્થળે પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી.

કંપનીમાં બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે મૃતક પૈકી એક કર્મચારીનું અડધુ અંગ કંપની બહાર ૬૦ ફૂટ દૂર ઝાડી ઝાંખરામાં પડયુ હતુ. તો અન્ય મૃતકોના હાથ પગ છૂટા છવાયા જોવા મળ્યા હતા. આ ઘટનામાં હરીનાથ યાદવ, પિયુષ પાસવાન, મુકેશ યાદવ અને અશોક ઠાકુર નામના કર્મચારીના મોત થયા હતાં.

કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાની જાણ થતા કર્મચારીઓના પરિવારજનો કંપની ખાતે દોડી આવ્યા હતા. જો કે કંપની સતાધિશો દ્વારા કોઈ માહિતી ન અપાતા પરિવારના સભ્યોએ કંપની ગેટ ઉપર ભારે હલ્લો બોલાવ્યો હતો અને ગેટ પાસે બેસી જઈ મૃતકોને ન્યાય આપવાની માંગ સાથે સૂત્રોચ્ચારો કર્યા હતા. જિલ્લા કલેકટર સ્થળ પર આવતા તેમને પણ ઘેરી લીધા હતા અને કંપની સત્તાધિશો સામે કડક પગલા ભરવાની તેમજ એક કરોડ જેટલી સહાય કરવાની માંગણી કરી હતી.




Google NewsGoogle News