સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઈન મંગાવેલું પાર્સલ ખોલતા જ થયો બ્લાસ્ટ, બેના મોત
Sabarkantha: સાબરકાંઠામાં વડાલીના વેડા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વેડા ગામે ઓનલાઈન મંગાવેલા પાર્સલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં બે લોકોના મોત નીપજ્યું હતું, જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઓનલાઇન મંગાવેલું પાર્સલ ખોલતાં જ બ્લાસ્ટ
ઉલ્લેખનીય છે કે આજકાલના સમયમાં લોકો મોટાપાયે ઓનલાઈન ખરીદી કરવામાં વધારે રસ ધરાવે છે. તેનું એક કારણ એ પણ છે ત્યાં વસ્તુ પર સારું એવું ડિસ્કાઉન્ટ પણ મળી જાય છે. જો કે, આ દરમિયાન જ ક્યારેક આવી ઘટના બની જાય તો તેનાથી સવાલો ઊભા થવા લાગે છે. તાજેતરની ઘટના સાબરકાંઠાના વડાલી ગામની હતી. જ્યાં જીતુભાઈ વણઝારા નામની વ્યક્તિએ ઓનલાઈન ઈલેટ્રોનિક વસ્તુ મંગાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર જીતુભાઈને ત્યાં જેવો જ આ પાર્સલ આવ્યો તો પરિવારના લગભગ બધા લોકો એકઠાં થઇ ગયા હતા. પાર્સલની સાઈઝ પણ મોટી જણાઈ રહી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે તેમની દીકરી સહિત પરિવારના લોકો આજુબાજુ જ હતા. પાર્સલ ખોલવા જતાં જ તેમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો જેના લીધે જીતુભાઈ વણઝારા (30), ભૂમિકાબેન વણઝારા સહિત પરિવારના અન્ય સભ્યો તેની લપેટમાં આવી ગયા હતા. જીતુભાઈ અને ભૂમિકાબેન દુર્ભાગ્યપૂર્ણ રીતે મૃત્યુ પામી ગયાની માહિતી છે. જ્યારે અન્ય ઘાયલોમાં શિલ્પાબેન વિપુલભાઈ વણઝારા, છાયાબેન જીતુભાઈ વણઝારા નામની બે છોકરીઓ ઘાયલ થઈ હતી.