બરોડા ડેરીના દૂધના કાળા બજાર, ડેરીએ બ્રિજો પર ટેમ્પા મૂકી દૂધનું વિતરણ કર્યું
પૂરની વિકટ પરિસ્થિતિમાં સપડાયેલા લોકોની મજબૂરીનો લાભ લઇ કેટલાક લોકોએ દૂધના કાળા બજાર કરી અને ઉઘાડી લૂંટ ચલાવી હતી.
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરને કારણે સર્જાયેલી વિકટ સ્થિતિમાં લોકો ફસાયા છે ત્યારે તેમની મજબૂરીનો લાભ લેવાનું પણ કેટલાક લોકોએ જતું કર્યું ન હતું. ડેરીના પાઉચના અનેક સ્થળોએ બ્લેક થયા હતા અને લોકોએ 50 રૂપિયામાં પાઉચ ખરીદ્યા હતા. આવી જ રીતે શાકભાજીના ભાવ પણ ઉઘાડી રૂટ ચલાવી હતી અને બે થી ત્રણ ગણા ભાવ વાપરવામાં આવ્યા હતા.
જોકે બરોડા ડેરીએ પુરવઠો તમામ સ્થળે પહોંચાડ્યો હતો. વડોદરામાં બરોડા ડેરીના 112 વાહનો દ્વારા રોજ 4.50લાખ લિટર દૂધનો સપ્લાય થાય છે. આજે અડધા વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ હોવા છતાં બરોડા ડેરીએ 102 વાહનો મારફતે દૂધ સપ્લાય કર્યું હતું. તેમજ જ્યાં જઈ શકાય તેમ ન હતું તેવા આઠથી દસ ટેમ્પા જુદા જુદા બ્રિજ પર મૂકી દૂધનું વિતરણ કર્યું હતું. ડેરીના સૂત્રોએ કહ્યું હતું કે રોજ કરતા 10,000 દૂધ આજે ઓછું વિતરણ થઈ શક્યું છે.