ધોરાજીમાં કાળા જાદુ, તાંત્રિક વિધિ, ધતિંગ કરનાર શખ્સની ધરપકડ
સરકારના નવા કાયદા મુજબ ગુનો નોંધાયો : સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો તથા બાતમીદારે પોલીસને જાણ કરતા પગલા લેવાયા
ધોરાજી, : રાજય સરકારે ખાસ ખરડો પસાર કરી અંધશ્રધ્ધા પ્રવર્તન વિરોધી કાયદો અમલી બનાવ્યો છે. અહીંનો એક શખ્સ તાંત્રિક વિધિ કરી સ્મશાનમાં ખાટલા સામે જુદી-જુદી ધતિંગબાજી કરતો હોવાનો વીડિયો વાયરલ થતા જ જિલ્લા પોલીસ વડાએ આ શખ્સને ઝડપી લેવા આદેશો છોડયા હતા તેના આધારે આ શખ્સની નવા કાયદા હેઠળ ધરપકડ કરી છે.
શહેરના રેલવે સ્ટેશન રોડ, ભાદર રોડ લાલા લજપતરાય કોલોનીમાં રહેતા અશ્વીનભાઈ ગોપાલભાઈ મકવાણા તથા નવા કાયદા વિરૃધ્ધ પ્રવૃતિ કરતો માલુમ પડયો હતો. આ વ્યક્તિ સ્મશાનગૃહમાં અગ્નિદાહ દેવાના ખાટલા સામે બેસીને વિધિ કરતો હોવાનું અને કાળા જાદુની શક્તિ ધરાવી ડોળ કરતો હોવાની પોલીસને સોશ્યલ મીડિયા અને બાતમીદારો દ્વારા જાણ થતાં તેને પકડી લઈ તેની સામે ગુજરાત અંધશ્રધ્ધા નિવારણ અને માનવસૃષ્ટિ અને અન્ય અમાનવીય, દુષ્ટ અને અઘોરી પ્રથાઓનું નાબૂદી અને બ્લેક મેજિક એકટ-2024 અન્વયે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.