વડોદરા ભાજપની જૂથબંધીથી ત્રાસીને પ્રદેશ સમિતિએ RSSના અગ્રણીને પ્રમુખનો પદભાર સોંપ્યો
Vadodara BJP President : વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ભાજપના આગેવાનોના અલગ-અલગ જૂથોમાં ચાલતા નામોમાંથી કોઈનું પણ નામ મૂકવામાં આવ્યું નહીં અને આખરે આરએસએસના આગેવાન જયપ્રકાશ સોનીના નામની જાહેરાત થતા કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી પેંડા વહેચી ખુશી વ્યક્ત કરી હતી.
વડોદરા શહેર પ્રમુખ પદ અને વોર્ડના પ્રમુખોની મતદાન વિનાની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. થોડા સમય પહેલા વોર્ડ પ્રમુખના હોદ્દા માટે ઉમેદવારી પત્રો ભરાવ્યા હતા અને વોર્ડ પ્રમુખના નામની જાહેરાત થઈ હતી. ત્યારબાદ વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે પણ ઉમેદવારી પત્રો ભરાવવામાં આવ્યા હતા. જેમાં 44 થી વધુ કાર્યકર્તા અને આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. તે દિવસે ભાજપના અગ્રણી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વડોદરા આવ્યા હતા. ત્યારે તેમણે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે આ 44 નામોની યાદી પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને તેમાંથી જ નામો આવે તેવું માની લેવાનું નહીં. આ ઉપરાંત પણ પાર્ટીને યોગ્ય લાગશે તેવા ઉમેદવારને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવશે.
આજે વડોદરા ભાજપ કાર્યાલય ખાતે ફરી એકવાર પ્રદેશના અગ્રણી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદના ઉમેદવારના નામનો મેન્ડેટ લઈને આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ તથા અન્ય ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ શહેર પ્રમુખ તરીકે આરએસએસમાંથી જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરી હતી. જેને સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ વધાવી લીધી હતી.
વડોદરા શહેર ભાજપના પ્રમુખ પદે જયપ્રકાશ સોનીના નામની જાહેરાત થતા ભાજપમાં અલગ-અલગ જૂથો દ્વારા પોતાના માનિતાના નામ ચલાવવામાં આવતા હતા તેમાંથી એક પણ કાર્યકર્તાનું નામ આવ્યું નહીં અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી જયપ્રકાશ સોનીનું નામ જાહેર થતાં જે 44 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેમાંથી કોઈ નામ નહિ આવતા કાર્યકર્તાઓને પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયાનું માત્ર નાટક જ કર્યું હોવાની ચર્ચા કાર્યકર્તાઓમાં રહી હતી.