અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાની સામાન્ય અને પેટા ચૂટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
લેટરકાંડ,ભાજપમાં વકેરેલા જૂથવાદ,પાયલ ગોટી વિવાદો વચ્ચે ં
રાજુલા-જાફરાબાદ, ચલાલા પાલિકામાંં કોંગ્રેસ ખાતું ખોલાવી શકી નહીં,લાઠીમાં ભાજપને ૧૮બેઠક મળતા ગત ટર્મની સાપેક્ષમાં ૩ બેઠક ઓછી, કોંગ્રેસને પ અપક્ષને એક બેઠક
રાજુલા-જાફરાબાદ અને ચલાલા નગરપાલિકામાં ભાજપના માઈક્રો મેનેજમેન્ટ સામે કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી.ભાજપે નગરપાલિકાની ચૂંટણીઓ જીતવા માટે ધારાસભ્યોને જવાબદારી આપી હતી.જાફરાબાદમાં મતદાન પહેલા જ ૧૬ સીટો પર ભાજપના ઉમેદવાર બિન હરીફ થયા હતા.આજે પરિણામ જાહેર થઇ જતા કોંગ્રેસ એક પણ સીટ મળી ન હતી જેથી જાફરાબાદ પાલિકામાં સતત બીજી વખત ભાજપે તમામે તમામ સીટો કબ્જે કરી હતી.
રાજુલામાં પણ છેલ્લા ૭ વર્ષ બાદ ચૂંટણી યોજાઈ હતી .અહીં પાંચ વર્ષ કોંગ્રેસ અને ૨ વર્ષ વહીવટદારનું શાસન રહ્યું હતું .ે ગત ચૂંટણીમાં કોંગ્રેસના તે વખતના ધારાસભ્ય અમરીશ ડેરની આગેવાનીમાં કોંગ્રેસે ૨૭ બેઠકો કબ્જે કરી હતી અને ભાજપના ફાળે માત્ર એક જ બેઠક ગઈ હતી આ વખતની ચૂંટણીમાં ભાજપે તમામે તમામ સીટ કબ્જે કરી કોંગ્રેસને કારમો રકાસ આપ્યો હતો.રાજુલાની ચૂંટણીમાં કોંગ્રેસમાં પૂર્વ પ્રમુખ રમેશભાઈ કાતરીયા,બાઘુબેન વાણિયા,કાંતાબેન કિશોરભાઈ ધાખડા સહિતના આગેવાનો ભાજપની લહેરમાં હારી જતા અપસેટ સર્જાયો હતો. ચલાલા પાલિકામાં પણ ભાજપે તમામ સીટો કબ્જે કરી હતી.પાલિકાની ૨૪ સીટોમાંથી ગત વર્ષે કોંગ્રેસ પાસે ૭ સીટો અને ભાજપ પાસે ૧૭ સીટો હતી.પરંતુ આ વખતે કોંગ્રેસના એક પણ ઉમેદવારનું ખાતું ખુલ્યું ન હતું . ભાજપે તમામ સીટો કબ્જે કરી હતી.
લાઠી નગરપાલિકાં પણ ભાજપે કબ્જે કરી હતી.આ પાલિકાની ચૂંટણી જીતવા માટે ભાજપના સાંસદ અને ધારાસભ્ય બંનેએ સતત પ્રચારકર્યો હતો પરંતુ અંદરખાને ચાલતી નારાજગી,કેટલાક આક્ષેપોને ધ્યાને લેતા ગત વર્ષની સરખામણીમાં ભાજપને ઓછી બેઠકો મળી હતી.ગત વર્ષે ભાજપ લાઠીમાં કુલ ૬ વોર્ડની ૨૪ બેઠકોમાં ૨૧ ભાજપ અને ૩ બેઠકો કોંગ્રેસ પાસે હતી.જોકે આ વખતે ભાજપને માત્ર ૧૮ બેઠકો મળી હતી.જયારે કોંગ્રેસને ૫ અને અપક્ષના એક ઉમેદવારે જીત મેળવી હતી.આખરે આ પાલિકા પર પણ ભાજપનો કબ્જો થયો હતો.
કેટલીક પાલિકાની વોર્ડ પેટા ચૂટણીમાં પણ ભાજપનું પલડું ભારી રહ્યું
અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર ૫ અને ૭ ની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને એક એક બેઠક મળી હતી.વોર્ડ નંબર ૫ માં ભાજપના ઉમેદવાર કોમલબેન રામાણી વિજેતા થયા હતા.તો વોર્ડ નંબર - ૭ ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર માધવીબેન જાની વિજેતા બન્યા હતા.સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ -૧ માં ભાજપના ઉમેદવાર ગૌતમ સાવજ વિજેતા થયા હતા.જેથી પેટા ચૂંટણીઓમાં પણ ભાજપનું પલડું ભારે જોવા મળ્યું હતું.દામનગર શહેર ની બે વોર્ડ ના એક એક ઉમેદવારો ની પેટા ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારાનીે જીત થયેલ છે. વોર્ડ નંબર ૨માં સામાન્ય પુરુષ બેઠક ઉપર જયતિભાઈ બી. નારોલાના કોંગ્રેસ પક્ષના અસલમ મોગલ સામે ૬૭ મતની લીડથી વિજય થયો હતો .જ્યારે વોર્ડ નંબર ત્રણમાં સામાન્ય ી બેઠક ઉપર હંસાબેન અરવિંદભાઈ ચાંદપરાનો કોંગ્રેસના ઉમેદવાર રિદ્ધિબેન મનીષભાઈ ગાંધી સામે ૯૯ મતથી વિજય થયો હતો . ઉલ્લેખનીય છે કે ગત સામાન્ય ચૂંટણી માં ૨૪ માંથી ૨૨ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી અને બે ઉપર વિપક્ષ કોંગ્રેસ જીતી હતી .હવે પેટા ચૂંટણીમાં બે બેઠક મેળવી લઈ સંખ્યાબળમાં પુનઃ ૨૨ બેઠકો બનાવી લઈ ભારતીય જનતા પાર્ટીએ પેટા ચૂંટણીમાં અગાઉ ગુમાવેલી બેઠક પરત મેળવી લીધી છે.
ધારીની મીઠાપુર તા.પંચાયત બેઠકમાં ભાજપનો વિજય
પાલિકાઓ ઉપરાંત પેટા ચૂંટણીમાં ધારી તાલુકાની મીઠાપુર સીટ પર ભાજપે કબ્જો મેળવ્યો હતો.બગસરાના જુના વાઘણીયામાં કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરાતા ચૂંટણી કેન્સલ થઇ હતી.તો બાબરાની કરિયાણા બેઠક પર આદિવાસી સીટના કારણે ઉમેદવાર ન મળતા ચૂંટણી કેન્સલ થઇ હતી.
ચૂટણી પરિણામો બાદ શહેરોમાં વિજય સરઘસ નીકળ્યા
પાલિકા ચૂટણીમાં લાઠી,ચલાલા,જાફરાબાદ,રાજુલા,અમરેલી,સાવરકુંડલા,દામનગરમાં ભાજપની ભવ્ય જીત બદલ કાર્યકરોએ ભવ્ય રીતે જશ્ન મનાવ્યો હતો. ચલાળામાં પણ ભાજપે તમામ બેઠકો કબ્જે કરી કોંગ્રેસનો રકાસ કરી નાખતા ં વિજય ઉત્સવ મનાવ્યો હતો.જેમાં ભાજપી કાર્યકરો ખુશીમાં ચલણી નોટોનો વરસાદ કરતા જોવા મળ્યા હતો.આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીનું પરિણામ પ્રક્રિયા પૂર્ણ થઇ હતી.