VIDEO: 'મોબાઇલ મૂકી દો મને જવાબ આપો', નગર સેવિકાએ અધિકારીનો ઉધડો લીધો
Amreli News : અમરેલીના સાવરકુંડલામાં ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપ મહિલા સદસ્યના વિસ્તારમાં કામ થતું ન હોવાના આરોપ લગાવામાં આવ્યા હતા. જેમાં વોર્ડ નંબર 8 ના મહિલા સદસ્ય મેઘાબહેન ગઢિયા પાલિકા ખાતે પહોંચીને ચીફ ઑફિસર અને પ્રમુખનો ઉઘડો લીધો હતો. શહેરમાં સી. સી રોડ બનાવવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરોને પાલિકા દ્વારા પાણી પૂરું પાડવામાં આવ્યું હોવાની નગર સેવિકાએ પોલ ખોલી હતી. જેમાં પાલિકાના ચીફ ઑફિસર દ્વારા કોન્ટ્રાક્ટરોને ચાર હજાર જેટલાં ટેન્કર પાણી આપ્યું હોવાનો આરોપ લગાવાયો છે. બીજી તરફ, શહેરમાં ગેસની પાઇપ લાઇનની કામગીરીમાં રસ્તાઓ તોડીને માટીના ઢગલા કરી દેવામાં આવ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
'કામ ન થતું હોય તો રાજીનામું આપી દો...'
નગર સેવિકા મેઘાબહેન ગઢિયા પાલિકાના ચીફ ઑફિસરને કહે છે કે, 'કેટલા દિવસોથી ફરિયાદ કરવામાં આવે છે, પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જે જવાબદારીએ તમે બેઠા છો તો તમારે બધું ધ્યાન રાખવું જોઈએ. જેમાં કામ થયું કે નહીં, તે બધું જોવું પડે. કામ ન થતું હોય તો રાજીનામું આપી દો...'
જ્યારે કોન્ટ્રાક્ટરોને પાલિકા દ્વારા પાણી પૂરું પાડવાને લઈને વૉટર વર્કરના અધિકારીએ કહ્યું કે, 'ચીફ સાહેબે કહ્યું હતું.' તેવામાં આરોપો થઈ રહ્યા છે કે, પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને ચાર હજાર જેટલા પાણીના ટેન્કર આપવામાં આવ્યા છે તો 16 લાખની કિંમતના પાણીની જવાબદારી કોણ લેશે?