ઘર કા ભેદી લંકા ઢાયે : લેટરકાંડમાં ભાજપના અસંતુષ્ટો જ અસલ ખેલાડી, કોંગ્રેસ માત્ર મહોરું
Amreli Letter Scandal : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દિકરી પાયલ ગોટીનો જાહેરમાં સરઘસ કાઢવામાં આવતાં પાટીદારો ભાજપ સરકારથી ભારોભાર નારાજ છે. આ પ્રકરણમાં સીટની રચના કરાયા પછીય આ વિવાદ શમ્યો નથી. આ મુદ્દે સરકારે ભારે બદનામી વ્હોરવાનો વારો આવ્યો છે. હકીકતમાં ચર્ચા એવી છેકે, લેટરકાંડ મુદ્દે સરકારને સાણસામાં ફસાવવા ખુદ ભાજપના જ અસંતુષ્ટો પડદા પાછળના અસલી ખેલાડી છે. પાટીદાર દિકરીને ન્યાય લડનાર કોંગ્રેસ તો માત્ર રાજકીય મહોરું જ છે. આમ, ઘર કા ભેદી લંકા ઢાયે જેવી સ્થિતી સર્જાઇ છે.
સૌરાષ્ટ્રના ત્રણ દિગ્ગજ નેતા વિપક્ષની ભૂમિકામાં
પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય આપો તેવા મુદ્દે સૌરાષ્ટ્રભરમાં દેખાવો-વિરોધ પ્રદર્શન થઇ ચૂક્યાં છે. હજુય આ મુદ્દો સળગતો રહ્યો છે. અત્યારે કોંગ્રેસમાં મેદાનમાં તો ઉતરી છે ત્યારે આખાય ખેલ પાછળ અસંતુષ્ટો દોરીસંચાર કરી રહ્યાં છે. ચર્ચા છેકે, ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરૂદ્ધ વાયરલ થયેલા પત્ર સાચો છે તે એફએસએલનો રિપોર્ટ કોંગ્રેસના નેતાઓ સુધી કેવી રીતે પહોંચ્યો? કોંગ્રેસના નેતાઓને આ જાણકારી કોણે આપી? કોંગ્રેસના નેતાઓને ભાજપની રજેરજની માહિતી કોણ પહોંચાડે છે? કોંગ્રેસના બંધને અંદરખાને કોણ સમર્થન આપી રહ્યુ છે તે સવાલ ઉઠ્યો છે.
કૌશિક વેકરિયા પોલીસ પાસેથી હપ્તા લે છે એવા અન્ય આરોપો સાબિત કરવા ખુદ ભાજપના અસંતુષ્ટો મેદાને પડ્યાં છે. આ સમગ્ર મામલે સૌરાષ્ટ્રના ભાજપના ત્રણેક દિગ્ગજ નેતાઓની મુખ્ય ભૂમિકા રહી છે.પાયલ ગોટીના બહાને પાટીદારોને સરકાર સામે મેદાને ઉતારી અસંતુષ્ટો રાજકીય બદલો લેવા સક્રિય બન્યાં છે. લેટરકાંડને પગલે સરકાર એટલી હદે હચમચી ઉઠી છેકે, સીટની રચના કરવી પડી છે.
નિર્લિપ્લરાયને તપાસ સોંપવી પડી છે. એક સરપંચ અને ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા પડ્યાં છે. આમ છતાંય પાટીદારોને સંતોષ નથી. સૌરાષ્ટ્રમાં હાલ આ મુદ્દે રાજકીય ઘમાસાણ જામ્યુ છે ત્યારે ખુદ ભાજપ પ્રદેશ નેતાગીરી પણ ડંમેજકંટ્રોલ કરવામાં ઉણી ઉતરી છે. નવા પ્રદેશ પ્રમુખની વરણી થાય, મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યાં સુધી સરકાર અને પક્ષને બદનામી વ્હોરવી પડે તે માટે અસંતુષ્ટોએ આખોય રાજકીય કારસો રચ્યો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યાં છેકે, લેટરકાંડ ધારાસભ્ય કૌશિક વેકરિયા લઇ ડૂબશે. મંત્રીમંડળના વિસ્તરણ થશે તો વેકરિયાને નાયબ દંડક પદ ગુમાવવું પડે તો નવાઇ નહી.
પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કોના ઇશારે કઢાયું હતું
અમરેલી લેટરકાંડમાં પોલીસની કામગીરી પણ શંકાસ્પદ બની રહી છે. મોડી સાંજ પછી મહિલાને પકડી શકાય નહીં,જાહેરમાં સરઘસ કાઢી શકાય નહી તેવા કાયદાથી ખાખી વર્દી અજાણ હોય તે વાત ગળે ઉતરે તેમ નથી. આમ છતાં પાટીદાર દિકરી પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું તે મુદ્દે એવા સવાલ ઉઠ્યાંકે, આ બધુ ગાંધીનગરના ઇશારે થયું કે પછી ભાજપના ધારાસભ્ય કૈાશિક વેકરિયાને રાજી રાખવા પોલીસે આ કરતૂત કર્યું? તે રહસ્ય ઉજાગર થઇ શક્યુ નથી.