Get The App

રાપરમાં ચૂંટણી પ્રચારનું મનદુઃખ રાખી ભાજપના કાર્યકરને છાતીએ લોડેડ તમંચો મુકી ધમકાવાયો

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
રાપરમાં ચૂંટણી પ્રચારનું મનદુઃખ રાખી ભાજપના કાર્યકરને છાતીએ  લોડેડ તમંચો મુકી ધમકાવાયો 1 - image


કોંગ્રેસ ઉમેદવારના પુત્રોએ જાહેરમાં માર મારી ધમકાવી જાતિ અપમાનિત પણ કર્યો 

ગાંધીધામ: વાગડની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એકદમ રસાકસી વાળી બની હતી. ભાજપ અને કોંગ્રેસ બંનેએ એડી ચોટીનો જોર લગાવી મહેનત પણ કરી હતી. આમ તો વાગડમાં ચૂંટણી સમયે ઝઘડાઓ થતાં જ રહે છે પરંતુ આ વખતે કોંગ્રેસના ઉમેદવારના ૩ પુત્રોએ પોતાની માતાનાં વિરુદ્ધમાં ચૂંટણી પ્રચાર કર્યાનું મનદુઃખ રાખી મતદાનનાં બીજા જ દિવસે ભાજપનાં કાર્યકરની છાતીએ લોડેડ બંદૂક છાતી પર રાખી યુવાનને માર મારી મૃત્યુના ભયમાં મૂકી દેતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે. 

રાપરનાં મોટી રવમાં રહેતા અને ભાજપના કાર્યકર ભાણાભાઈ આલાભાઈ ગોહિલે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, બનાવ ગત ૧૭ ફેબ્આરીનાં સવારનાં ૧૦ વાગ્યા અરશામાં બન્યો હતો. જેમાં ફરિયાદી રાપર નગરપાલિકા ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ પક્ષનાં ઉમેદવારનાં વિસ્તારમાં જઈ ભાજપ તરફી મત માંગી ભાજપનો પ્રચાર કર્યો હતો. જેનું મનદુઃખ રાખી રાપરમાં મતદાન થયાનાં બીજા જ દિવસે  રાપરનાં ગેલીવાડી શેરી નંબર - ૪માં કોંગ્રેસ પક્ષનાં ઉમેદવારનાં ત્રણ પુત્રો મહેશ કરશન ભૂત, અશ્વિન કરશન ભૂત અને કિશુ કરશન ભૂત આવી ફરિયાદી સાથે બોલાચાલી કરી તેને ગાળો આપીને જાતિ સૂચક શબ્દો બોલી ફરિયાદીને માર માર્યો હતો. આટલું ઓછું હોય તેમ આરોપી મહેશે ફરિયાદીના છાતીના ભાગે લોડેડ તમંચો રાખી ટ્રિગર પર આંગળી રાખી આટલી વાર લાગશે, હમણાં ઉડાડી દઇશ તેમ કહીં જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી.જેમાં ઝગડો થતા જોઈ લોકો વચ્ચે પડતા ફરિયાદીને બચાવી લેવાયા હતા. આરોપીઓ જતા જતા ધમકી આપી ગયા હતા કે અમારા પર ગુનો નોંધાશે તો ફરક નહીં પડે. બીજી વાર અમારા વિસ્તારમાં દેખાયા તો જાનથી મારી નાખીશું. જે ઘટના બાદ ફરિયાદીએ ત્રણેય આરોપી વિરુદ્ધ રાપર પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ સહીતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News