આણંદ-ખેડા જિલ્લાની 8 નગરપાલિકામાંથી 5 ભાજપે જીતી, આંકલાવમાં કોંગ્રેસ સમર્થિત 14 અપક્ષ જીત્યાં
Gujarat Local Body Result: આણંદ જિલ્લાની ચાર પાલિકા તથા ખંભાત તાલુકા પંચાયતની કુલ 68 બેઠકોની સામાન્ય અને પેટા ચૂંટણી હાથ ધરાઈ હતી. મંગળવારે તમામ મતદાન મથકો ખાતે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આંકલાવ પાલિકામાં કોંગ્રેસ સમર્થિત 14 અપક્ષો તથા ભાજપના 10 ઉમેદવારોની જીત થઈ હતી.
જ્યારે ઓડ અને બોરિયાવી પાલિકામાં બહુમતિ મેળવવામાં ભાજપને સફળતા મળી હતી. બોરિયાવીમાં ભાજપે 15, કોંગ્રેસે 7 અને અન્ય 2 ઉમેદવારોએ જીત મેળવી હતી. ઓડ પાલિકામાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિપેન પટેલની હાર થઈ હતી. ઓડની તમામ 24 બેઠકો ભાજપના ફાળે જતાં પાલિકામાંથી કોંગ્રેસનું અસ્તિત્વ ભુંસાયું હતું. જ્યારે ઉમરેઠ પાલિકા અને ખંભાત તાલુકા પંચાયતની બંને બેઠકોની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારો જીત્યા હતા.
જ્યારે ખંભાત તાલુકા પંચાયતની ઉંદેલ બેઠક પર 32 નોટા વોટ પડ્યા હતા. ખેડા જિલ્લાની પાંચ પાલિકા પૈકી ચકલાસી, મહેમદાવાદ અને મહુધા પાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતિ મેળવતા ભગવો લહેરાયો હતો. જ્યારે ડાકોર પાલિકામાં અગાઉ 8 બેઠકો ભાજપની બીનહરીફ થયા બાદ મંગળવારે 6 બેઠકો જીતતા 14 બેઠકો ભાજપના ફાળે ગઈ હતી. જ્યારે 14 બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારોની જીત થઈ હતી.
તેમજ ખેડા પાલિકામાં 14 બેઠકો પર ભાજપ, 13 ઉપર અપક્ષ તથા એક બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારની જીત થતાં ખેડા અને ડાકોર પાલિકામાં ટાઈ પડી હતી. જ્યારે કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપે દબદબો જાળવી રાખ્યો હતો, કપડવંજ તાલુકા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે.