Get The App

વાવનો ગઢ ગેનીબેન સાચવી ના શક્યા, 7 વર્ષ બાદ ખીલ્યું કમળ: શું કોંગ્રેસની બાજી અપક્ષે બગાડી?

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
વાવનો ગઢ ગેનીબેન સાચવી ના શક્યા, 7 વર્ષ બાદ ખીલ્યું કમળ:  શું કોંગ્રેસની બાજી અપક્ષે બગાડી? 1 - image


Vav By Election Result 2024 : વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે 13મી નવેમ્બર, 2024ના રોજ એટલે કે 192 મતદાન મથક કેન્દ્રો પર 70 ટકા જેટલું મતદાન થયું હતું. આજે મતગણતરી બાદ પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં વાવમાં કમળ ખીલ્યું છે એટલે કે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે માત્ર 2436 વોટથી જીત નોંધાવી છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને ‌‌89693 મત મળ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપસિંહ ઠાકોરને 92129 મત મળ્યા છે, તો ભાજપના બળવાખોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27183 મત મળ્યા છે. વાવની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર માવજીભાઇ ભાજપની બાજી બગાડવામાં નિષ્ફળ રહ્યા છે. એટલે કે, તેમને મળેલા મત કોંગ્રેસમાંથી આવ્યા છે. આ કારણસર જ કોંગ્રેસને પાતળી સરરાઇથી હારનો સામનો કરવો પડ્યો છે. 

રસાકસીભર્યો રહ્યો જંગ

વાવની પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે વટનો સવાલ હતો. આ પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે સીધી ટક્કર હતી. જેમાં ભાજપથી નારાજ નેતા માવજીભાઇએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતાં રાજકીય માહોલ ગરમાઇ ગયો હતો અને પેટા ચૂંટણીની હાર-જીતનો આધાર બની ગયા હતા. લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ગુમાવ્યા બાદ ભાજપ માટે આ બેઠક જીતવી અતિ જરૂરી બની ગયું હોવાથી ભાજપે રાત-દિવસ જોયા વિના પ્રચાર અભિયાન મજબૂત કર્યું હતું. નેતાઓના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. 

વાવની પેટા ચૂંટણીના પરિણામો 15મા રાઉન્ડ બાદ કોંગ્રેસની લીડ ઘટવાનું શરૂ થઇ ગયું હતું. ત્યારબાદ કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત સતત પાછળ ધકેલાતા ગયા હતા. અંતિમ બે રાઉન્ડની ગણતરી બાદ પાતળી સરસાઇથી ભાજપે જીત મેળવી લીધી હતી. 7 વર્ષના લાંબા સમયગાળા ભાજપે જીતનો સ્વાદ ચાખ્યો છે અને ગેનીબેનનો જાદુ પણ ના ચાલ્યો. 

આ પણ વાંચો: વાવ વિધાનસભા બેઠક: ચૂંટણીનું ચિત્ર વેર-વિખેર કરી નાખશે માવજી પટેલ, ભાજપ-કોંગ્રેસનો ખેલ બગાડશે?

મંત્રી-નેતાઓના ધાડેધાડા ઉતાર્યા

ભાજપ શામ, દામ, દંડ ભેદની નીતિ અપનાવતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીથી માંડીને ભાજપના મંત્રી બળવંતસિંહ રાજપૂત, ભાનુબેન બાબરિયા, કુંવરજી બાવળિયા ઉપરાંત બચુ ખાબડને ચૂંટણીની જવાબદારી સોંપી હતી. વાવ બેઠક જીતવા ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. બીજી તરફ ભાજપના માવજીભાઇ પટેલની નારાજગી ભારે પડી શકે એમ હોવાથી ભાજપે પાણી પહેલા પાળ બાંધી લીધી હતી. આ માટે તેમણે પ્રચાર અભિયાનમાં જરાય કચાશ રાખી ન હતી. 

નિષ્ણાતોના મતે માવજીભાઇએ કોંગ્રેસના મત તોડ્યા

વાવ પેટા ચૂંટણીમાં છેલ્લા રાઉન્ડની મતગણતરી દરમિયાન ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસીભર્યો જંગ જામ્યો હતો. જેમાં ભાજપે 7 વર્ષ બાદ ખૂબ જ પાતળી સરસાઇથી જીત મેળવી હતી. નિષ્ણાતોના મતે માવજીભાઇ પટેલે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરી કોંગ્રેસની બાજી બગાડી છે. પાતળી સરસાઇથી ભાજપની જીત પાછળ માવજીભાઇએ કોંગ્રેસના મત તોડ્યા હોવાનું માનવામાં આવે છે. જ્યારે લોકમુખે એવી પણ ચર્ચા છે કે ભાજપે માવજીભાઇ પટેલને બી ટીમ તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. જેથી કોંગ્રેસના વોટ કાપી શકાય જેથી ભાજપને વાવ બેઠક પર કબજો મેળવવામાં સરળતા રહે. 

આ પણ વાંચો: વાવમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ, ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 2 હજારથી વધુ મતથી જીત

વાવની પેટા ચૂંટણીમાં પાઘડીનો મોભો

વાવની પેટા ચૂંટણીમાં આ વખતે પાઘડીનું પોલિટિક્સ જોવા મળ્યું હતું. બંને પક્ષોએ મતદારોને રીઝવવા માટે પાઘડીનો ઉપયોગ કરાયો હતો. આમ, આ ચૂંટણીમાં પાઘડીનું મહત્ત્વ વધી ગયું હતું. ક્યાંક જાહેર સભામાં લવિંગજી ઠાકોરે પાઘડી ઉતારી તો ક્યાંક સ્વરૂપજી ઠાકોરે પાઘડી ઉતારી. 

વાવ બેઠકના જાતિગત સમીકરણ 

વાવ વિધાનસભા બેઠકના જાતિગત સમીકરણોની વાત કરવામાં આવે તો આ બેઠક પર કુલ 3,10,681 મતદારો છે. જેમાં સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે, ત્યારબાદ રાજપૂત અને ચૌધરી સમાજનું વર્ચસ્વ જોવા મળે છે. એટલું જ નહીં, આ બેઠક પર દલિત, રબારી અને બ્રાહ્મણ સમાજના મતદારો પણ રાજકીય સમીકરણ બદલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ચાલો જાણીએ, વાવ બેઠક પર કઈ જાતિના કેટલા મતદારો છે. 


કુલ મતદારો- 3,10,681

ઠાકોર- 44000

રાજપૂત- 41000

ચૌધરી- 40000

દલિત- 30000

રબારી- 19000

બ્રાહ્મણ- 15000

મુસ્લિમ- 14500

ઠાકોર સમાજના અગ્રણી છે સ્વરૂપજી

સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સ્વરૂપજી ઠાકોર વર્ષ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને 48,634 મત મળ્યા હતા.

ગુલાબસિંહ રાજપૂતની રાજકીય સફર

કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. 2019 માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા. તેમણે યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે.  ગુલાબસિંહ રાજપૂતને રાજકારણ વારસામાં મળ્યું છે. વાવ-થરાદ વિધાનસભા ભેગી હતી ત્યારે દાદા હેમાભાઇ રાજપૂત 20 વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. 

કોણ છે માવજીભાઈ પટેલ?

માવજીભાઈ પટેલ થરાદ વાવ વિધાનસભાનું નેતૃત્વ કરી ચૂક્યા છે. તેઓ પૂર્વે 20 મુદ્દા અમલીકરણ હાઈ પાવર કમિટીમાં રહી ચૂક્યા છે. સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે ટ્રેક્ટર ટ્રોલીને બળદગાડા સમાન ગણીને ટેક્સ મુક્ત કરાવવામાં એક અગ્રીમ ભૂમિકા નિભાવી હતી. પૂર્વે મુખ્યમંત્રી સ્વ ચિમનભાઈ પટેલ સરકારમાં ચિમનભાઈ પટેલના ખાસ વિશ્વાસુ રહ્યા. થરાદ-વાવ ખાસ બનાસકાંઠા વિસ્તારમાં બક્ષીપંચ સમાજમાં પછાત સમાજોને સમાવેશ થાય એના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ કામગીરી જેતે સમયે માવજી પટેલ દ્વારા કરવામાં આવી હતી. તેમણે ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી વાવની પેટા ચૂંટણીના મેદાનમાં ઝંંપલાવ્યું હતું. 

ગેનીબેન ઠાકોર બે વાર વિધાનસભા ચૂંટણી જીત્યા હતા

ગેનીબેન ઠાકોરનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ કોંગ્રેસમાં સક્રિય મહિલા રાજકારણી છે. તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા મતવિસ્તારમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેમાં તેમનો પરાજય થયો હતો. આ પછી ફરી 2017માં તેમણે વાવ મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6,655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા.

જો કે, આ વાવ વિધાનસભા બેઠક પર મતદારોએ લોકસભા બેઠક કરતા જરા જુદી રીતે મતદાન કર્યું અને કેટલાક પરિબળો કોંગ્રેસની વિરુદ્ધમાં રહ્યા, જેથી ભાજપની જીત થઈ હોવાનું કહેવાય છે.  






Google NewsGoogle News