ચૂંટણી યોજાય તે પહેલાં હાલોલ નગરપાલિકામાં ભાજપે સત્તા હાંસલ કરી ઃ ૨૧ ઉમેદવારો બિનહરીફ
કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી ભાજપને ટેકો જાહેર કર્યો
હાલોલ તા.૪ હાલોલ નગરપાલિકાની તા.૧૬મીના રોજ ચૂંટણી યોજાય તે પહેલાં જ ભાજપનું બોર્ડ બને તેટલી બેઠકો ભાજપે કબજે કરી લીધી છે. પાલિકાના કુલ ૯ વોર્ડની ૩૬ બેઠકો પૈકી ભાજપના ૨૧ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થતાં જ પાલિકામાં ભાજપે સત્તા હાંસલ કરી લીધી છે.
ઉલ્લેખનીય છે કે હાલોલ નગરપાલિકામાં ૯ વોર્ડની ૩૬ બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આપ તેમજ અપક્ષ મળી કુલ ૭૨ ઉમેદવારોએ ફોર્મ ભરી નગરપાલિકાની ચૂંટણી માટે દાવેદારી નોંધાવી હતી. ફોર્મ ચકાસણીના દિવસે ૫ ફોર્મ રદ થતાં કુલ ૬૭ ઉમેદવારોના ફોર્મ માન્ય ગણાયા હતાં. ફોર્મ ચકાસણી બાદ આજે ત્રણ વાગ્યા સુધી ભાજપના ઉમેદવારોની સામે ઊભા રહેલા કોંગ્રેસ, આપ અને અપક્ષ મળી કુલ ૨૧ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લઇ ભાજપના ઉમેદવારોને પોતાનું સમર્થન જાહેર કરતા ભાજપના ૨૧ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતાં.
તા.૧૬મીએ પાલિકાની ચૂંટણી યોજાય તે પહેલાં જ ભાજપે ફરીથી સત્તા હાંસલ કરી પાલિકા પર કબજો મેળવી લીધો હતો. વોર્ડ નંબર ૨, ૩ અને ૫માં ભાજપની પેનલના કુલ ૧૨ પૈકીના ૧૦ મેન્ડેટ સાથેના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતાં જ્યારે બે ઉમેદવારો જેઓ ભાજપ દ્વારા જ અપક્ષ ઉભા રાખવામાં આવ્યા હતા તેઓ પણ બિનહરીફ થતાં તેમણે ભાજપને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો. હાલોલ પાલિકામાં જીત થતાં જ ભાજપ કાર્યાલય ખાતે જીતની ઉજવણી પણ કરવામાં આવી હતી. હવે બાકી રહેલી ૧૫ બેઠક પર તા.૧૬મીએ મતદાન થશે પરંતુ ચૂંટણી નિરસ બની રહેશે.