Get The App

સૌરાષ્ટ્રના ત્રણ નેતાઓને સસ્પેન્ડ કરશે ભાજપ! લિસ્ટમાં દિગ્ગજોના નામ, હાઇકમાન્ડને કરાઇ રજૂઆત

Updated: May 14th, 2024


Google NewsGoogle News
સૌરાષ્ટ્રના ત્રણ નેતાઓને સસ્પેન્ડ કરશે ભાજપ! લિસ્ટમાં દિગ્ગજોના નામ, હાઇકમાન્ડને કરાઇ રજૂઆત 1 - image


Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટ્રના ત્રણ નેતાને પક્ષમાંથી હાંકી કાઢવા હાઈકમાન્ડ સમક્ષ પ્રદેશ નેતાગીરીએ રજૂઆત કરી હોવાનું કહેવાય છે. આ ત્રણ નેતાઓમાં અમરેલીના વર્તમાન સાંસદ નારણભાઈ કાછડિયા તથા બે ભૂતપૂર્વ મંત્રીઓ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજા અને જવાહર ચાવડાનો સમાવેશ થાય છે.

પરિણામની જાહેરાત બાદ પગલાં લેવામાં આવે તેવી શક્યતા

પ્રદેશ નેતાગીરીએ રજૂઆત થઈ છે કે, આ ત્રણેય નેતાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ કે જેથી દાખલો બેસે. જો કે ભાજપ હાઈકમાન્ડ લોકસભાની ચૂંટણીનાં પરિણામ સુધી રાહ જોવાના મૂડમાં છે. ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે ભાજપ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો જીતશે તો આ ત્રણેય નેતાને કાઢી મૂકાશે એવી હાઈકમાન્ડે પ્રદેશ નેતાગીરીને ખાતરી આપી છે.

ચૂંટણીના ઉમેદવારોની પ્રદેશ નેતાગીરીને રજૂઆત

નારણભાઈ કાછડિયાએ પોતાને હરાવવા માટે પ્રયત્નો કર્યા હોવાની ફરિયાદ અમરેલી બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ કરી છે. નારણભાઈ કાછડિયાએ ઈફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિનભાઈ પટેલ ઉર્ફે બિપિન ગોતાને હરાવવામાં પણ દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાને મદદ કરી હતી. આ કારણે પ્રદેશ નેતાગીરી તેમના પર ભડકેલી છે. 

ઉમેદવારે વિરોધ પક્ષ પર લગાવ્યા આરોપ 

જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને હરાવવા માટે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાએ ભરપૂર પ્રયત્નો કર્યા હોવાની રજૂઆત માડમે કરી છે. પરસોત્તમ રૂપાલા સામેના ક્ષત્રિયોના વિરોધના બહાને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાએ પૂનમબેન સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે પક્ષની વિરૂધ્ધ કામ કર્યું હોવાની ફરિયાદ થઈ છે. હકુભાએ કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર જે.પી. મારવિયા સાથે મળીને ક્ષત્રિય અને પાટીદારો પાસે ભાજપ વિરોધી મતદાન કરાવ્યું છે. હકુભા પોતે લાંબા સમયથી ભાજપના કાર્યક્રમોમાં દેખાતા નથી. માણવદરમાં જવાહર ચાવડાએ પોતાનાં પત્ની અને પુત્ર મારફતે ભાજપના વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા કામ કર્યું હોવાની સત્તાવાર ફરિયાદ લાડાણીએ કરી છે. ચાવડા પણ લાંબા સમયથી ભાજપના કાર્યક્રમોથી બિલકુલ દૂર છે.

સૌરાષ્ટ્રના ત્રણ નેતાઓને સસ્પેન્ડ કરશે ભાજપ! લિસ્ટમાં દિગ્ગજોના નામ, હાઇકમાન્ડને કરાઇ રજૂઆત 2 - image


Google NewsGoogle News