ક્ષત્રિય આંદોલન ઠારવામાં ભાજપનો પનો ટૂંકો પડયો, હવે પીએમ મોદીનો સહારો
Lok Sabha Elections 2024: પરષોતમ રૂપાલાની ક્ષત્રિય સમાજ વિરુધ્ધ ટિપ્પણી ભાજપને હવે ભારે પડી રહી છે કેમકે, ભાજપના ક્ષત્રિય નેતાઓની કાકલૂદી છતાંય આંદોલન થાળે પડે તેમ નથી. ગ્રામ્ય સ્તરે વિરોધ વંટોળ યથાવત રહ્યો છે.
આજે ગુજરાત સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે જાહેરસભામાં ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન ન કરે તેનો ભાજપને ડર સતાવી રહ્યો છે. ક્ષત્રિય આંદોલનને ઠારવામાં ભાજપનો પનો ટૂંકો પડયો છે. હવે ભાજપ માટે નરેન્દ્ર મોદી એક માત્ર સહારો છે.
સભામાં ક્ષત્રિયો વિરોધ કરે તેવો ભાજપને ડર
ક્ષત્રિયોનો રોષ ઠારવા માટે વડાપ્રધાન મોદી ઇમોશનલ અપીલ કરે તેવા સંકેત છે. પ્રદેશ ભાજપના નેતાઓને ય આશા છે કે, નરેન્દ્ર મોદીની અપીલ બાદ ક્ષત્રિયોના ગુસ્સોનો આફરો શાંત થઇ જશે. બીજી તરફ, ભાજપ અને સરકારને ડર એ છે કે, જો મોદીની સભામાં ક્ષત્રિયો વિરોધ કરે તો ભાજપની રાજકીય ઇમેજને ધક્કો પહોચીં શકે છે.
ભાજપક્ષત્રિય વોટ બેન્ક ગુમાવે તેવી પરિસ્થિતિ
કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાએ ટિપ્પણી બાદ પાટીદારોને સાચવવામાં ભાજપ હવે ક્ષત્રિય વોટ બેન્ક ગુમાવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. શરૂઆતના તબક્કામાં ક્ષત્રિયોનો રોષ ઠરી જશે તેવી ભાજપની ગણતરી ઉંધી પડી છે. હવે સમાધાનની શક્યતા ઓછી છે.
આ સંજોગોમાં રત્નાકર સહિત પ્રદેશના નેતાઓએ જીલ્લાવાર પ્રવાસ કરીને ક્ષત્રિયોના મનામણાં માટે ઉધામા મચાવ્યા છે પણ ડેમેજ કંટ્રોલ થઇ શક્યુ નથી. વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પહેલાં ક્ષત્રિય આંદોલન ઠારવા ઘણી મથામણ કરાઇ પણ ભાજપનો પનો ટૂંકો પડયો છે. હજુય ગ્રામ્ય સ્તરે ભાજપના ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
ભાજપ માટે મુશ્કેલી સર્જાઇ શકે છે
ક્ષત્રિય આંદોલન પાર્ટ-2માં આખાય ગુજરાતમાં ધર્મયાત્રા શરૂ થઇ છે જેને અન્ય સમાજોનું સમર્થન સાંપડી રહ્યુ છે જેના કારણે ભાજપના પેટમાં ફાળ પડી છે. હાલ ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી બેઠકો પર એવુ ચિત્ર ઉપસ્યુ છે કે, ક્ષત્રિય સમાજની સાથે ઓબીસી, દલિત અને લઘુમતી મતદારો વિરૂદ્ધમાં મતદાન કરે તો ભાજપ માટે મુશ્કેલી સર્જાઇ શકે છે. અત્યારે ભરૂચ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, કચ્છ જેવી બેઠકો પર ક્ષત્રિય મતદારો ભાજપની ગણતરી ઉંધી પાડી શકે છે.
ક્ષત્રિયો મતના શસ્ત્રથી બદલો લેવાની મૂડમાં
હવે જયારે આજે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ ક્ષત્રિય સમાજને ઇમોશનલ અપીલ કરશે તેવી પ્રદેશ નેતાગીરીને આશા છે. જેથી આંદોલનની અગનજવાળા શાંત પડે. સાથે સાથે એ વાતનો ભય સતાવી રહયો છે કે, જો સભામાં વિરોધ થાય તો ભાજપની દેશ લેવલે ઇમેજ ખરડાઇ શકે છે.
ભાજપને એવો ભય સતાવી રહ્યો છે કે, લોકસભાની ચૂંટણી પછી આ સ્થિતી રહી તો ભાજપને ક્ષત્રિય મતદારો ગુમાવવા પડે તેમ છે. બીજી તરફ, મહિલા સ્વમાનની લડાઇ લડતા ક્ષત્રિયો કોઇપણ ભોગે આ વખતે ભાજપને મતના શસ્ત્રથી બદલો લેવાની મૂડમાં છે.