'મારા જેવી મા હોય તો મારી નાખું...', પાયલ ગોટી વિશે ભાજપના દિગ્ગજ મહિલા નેતાએ ઠાલવ્યો રોષ
Gujarat News: ગુજરાત ભાજપના દિગ્ગજ મહિલા નેતાએ પોતાની જ પાર્ટી પર આકરા પ્રહાર કરતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. નરેન્દ્ર મોદીએ જેને માતાનો દરજ્જો આપ્યો છે તેવા હેમાબેન આચાર્યએ ગુજરાતમાં દીકરીઓની અસલામતીને લઈને પોતાની વેદના વ્યક્ત કરી છે. હેમાબેને પાયલ ગોટી, દાહોદની આદિવાસી મહિલા સાથે બનેલી ઘટના અંગે રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, 'અમે ક્યારેય આવા ગુજરાતની કલ્પના નહતી કરી. દીકરીઓ પર અત્યાચાર ગુજારી અને તેમાં પણ રાજકારણ રોટલા શેકવાના ધંધાઓ ખીલી ઉઠ્યાં છે'.
ગુજરાતમાં મહિલાઓ સલામત નથી
હેમાબેન આચાર્યએ રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, 'નારી સશક્તિકરણની વાતો વચ્ચે મહિલાઓ સલમાત નથી રહી. રાજકારણમાં મહિલાઓ અને યુવતીઓનો ભોગ લેવામાં આવી રહ્યો છે, જે ખૂબ જ ગંભીર ઘટના છે'.
આવાં ગુજરાતની કદી કલ્પના ન કરી હતી
ગુજરાતની સ્થિતિ વિશે દુઃખ વ્યક્ત કરતાં હેમાબેને કહ્યું કે, આવા ગુજરાત અને દેશની કદી કલ્પના પણ કરી ન હતી કે જ્યાં નકલી અધિકારી, નકલી નેતા, નકલી કોર્ટ હાલના સંજોગોમાં આવું બઘુ જોઈ હૃદય દ્રવી ઉઠે છે. તંત્ર પર નેતાઓનો કોઈ કંટ્રોલ રહ્યો નથી અને જો કંટ્રોલ હોય તો નેતાઓની ઈચ્છાશક્તિ નથી. બધી પાર્ટીઓ સામસામે ચૂંટણી લડવાને બદલે અંદરોઅંદરની લડાઈમાં વ્યસ્ત બન્યા છે. નવા કાયદાઓ બનાવવાને બદલે જે છે તેની અમલવારી સારી રીતે થાય તે જરૂરી છે. કાયદા બનાવવાની જેની જવાબદારી છે તે ધારાસભ્ય, સંસદ સભ્ય ગુનેગાર જ બની ગયા છે તો તેની પાસે શું સારા કાયદાની અપેક્ષા રાખી શકાય?
જનતા હવે કહેવા પૂરતી જ સર્વોપરી રહી છે
જનતા જ સર્વોપરી છે તેનું કીઘુ થાય, તેના કામ થાય તો જ તે સર્વોપરી ગણાય. હાલની સ્થિતિમાં લોકો આવી નીતિનો વિરોધ નથી કરતા તેનું મુખ્ય કારણ છે કે, માણસને તેમના બે છેડા ભેગા કરવા અઘરા બની ગયા છે. ગરીબ વધુ ગરીબ થઈ રહ્યો છે, પૈસાવાળો વધુ તવંગર થઈ રહ્યો છે. આ બંને વચ્ચે મોટી ખાઈ ઉભી થઈ રહી છે જે સ્થિતિ આવનારા સમય માટે જોખમી છે.