ભાજપના સાંસદનો મોટો ધડાકો, ફાયર વિભાગના ઓફિસર ઠેબાને 70,000 રૂપિયા આપ્યાનો દાવો
Ram Mokariya : રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફટીથી માંડીને પોલીસ પરમિશનને લઈને ચર્ચા ઉઠી છે. એટલુ જ નહીં, મહાનગરપાલિકાના તંત્ર સામે પણ સવાલો ઉભા થયા છે. તેમજ ભ્રષ્ટ અધિકારીઓ પર પણ આંગળી ચિંધાઈ છે. ત્યારે રાજકોટ ભાજપના સાંસદે જ ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીને મોટો ખુલાસો કર્યો છે.
ભાજપ સાંસદે ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો
રાજકોટ ગેમ ઝોન થયેલી ભયાનક કરુણાંતિકામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. શહેરમાં બનેલા આ બનાવને પગલે રાજ્ય સહિત દેશમાં પડઘા પડ્યાં છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડ બાદ રાજકોટ પોલીસની સાથે સાથે રાજકોટ મહાનગર પાલિકાના ફાયર વિભાગ પર પણ સવાલો ઉઠવા લાગ્યા છે. ત્યારે હવે રાજકોટ ભાજપના જ સાંસદ રામ મોકરિયાએ જ ફાયર વિભાગના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
બાંધકામ સમયે રૂપિયા લેવામાં આવ્યા
રામ મોકરિયાએ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના ડેપ્યુટી ઓફિસર ભીખાભાઈ ઠેબાને ફાયર એનઓસી સર્ટિફિકેટ માટે 70 હજાર આપ્યા હોવાનો દાવો કર્યો છે. રાજકોટ ભાજપ સાંસદે મીડિયા સાથે હાલમાં વાત કરવાની ના પાડી છે, પરંતુ કહ્યું 'હા મારી પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા.' રામભાઈ મોકરીયા જ્યારે ફક્ત બિઝનેસમેન હતા ત્યારે 150 ફૂટ રીંગ રોડ પર બાંધકામ માટેના ફાયર એનઓસી માટે આ 70 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. જો કે રામભાઈ મોકરીયા બાદમાં સાંસદ બન્યા ત્યારે ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાએ કવરમાં 70 હજાર નાખી રામભાઈ મોકરીયાને પરત આપી દીધા હતા.