'ડેડિયાપાડાના ધારાસભ્યએ જંગલ કાપી ઘર બનાવ્યું', ભાજપ સાંસદ મનસુખ વસાવાના ગંભીર આક્ષેપ
Mansukh Vasava Allegations on Chaitar Vasava: નર્મદામાં જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ભાજપના સાંસદે કહ્યું હતું કે, 'ડેડિયાપાડાના ધારાસભ્ય જ જંગલ કાપી રહ્યા છે અને ખેતી કરાવી રહ્યા છે. રાજકીય આગેવાન થઈને ફોરેસ્ટની જમીનમાં પોતે મકાન બનાવી દીધું છે. આ મામલે એકલો હું જ બોલતો રહીશ એ નહીં ચાલે, બધાં એ બોલવું પડશે. જો ફોરેસ્ટ વિભાગ કેસ નહીં કરે તો મનસુખ વસાવા કેસ કરશે. કોઈ પણ ચમરબંધી હોય મને કોઈનો ડર નથી.'
ફોરેસ્ટ વિભાગે હિસાબ આપવો પડશે: મનસુખ વસાવા
વન મહોત્સવ કાર્યક્રમમાં ચૈતર વસાવાને પણ આમંત્રણ અપાયું હતું. પરંતુ તે હાજર રહ્યા ન હતા. જેને લઈને મનસુખ વસાવાએ કહ્યું હતું કે, 'લોકોના આગેવાન છે તો તેમણે (ચૈતર વસાવા) હાજર રહેવું જોઈતું હતું.' આ ઉપરાંત તેમણે જિલ્લા પંચાયત પ્રમુખ અને ફોરેસ્ટના અધિકારીઓને આગામી દિવસોમાં તમામ આગેવાનોની મિટિંગ રાખવા પણ સૂચના આપી છે. જેમાં ફોરેસ્ટ વિભાગે શું કામો કર્યા છે તેનો હિસાબ આપવો પડશે.
ચૈતર વસાવાએ આપી પ્રતિક્રિયા
આ મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમમાં નર્મદા વન વિભાગના કોઈપણ અધિકારી દ્વારા મને આમંત્રણ આપવામાં આવ્યું નથી અને ટેલિફોનિક જાણ પણ કરવામાં આવી નથી. એક જન પ્રતિનિધિને પ્રોટોકોલ પ્રમાણે જાણ કરવી જોઈએ, પરંતુ જાણ પણ કરી નથી. આ બાબતનો આવનારા સમયમાં અમે ખુલાસો માગીશું.'
આ પણ વાંચો: ગુજરાત સહિત 27 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ્સ