ભાજપના સાંસદે FIRE NOC માટે 70,000 લાંચ આપવી પડી

Updated: May 30th, 2024


Google NewsGoogle News
ભાજપના સાંસદે FIRE NOC માટે  70,000 લાંચ આપવી પડી 1 - image


અગાઉ ભાજપના નેતાએ કરોડો સાલવી દીધાના આક્ષેપ બાદ  ફા.ઓફિસર ઠેબાને લાંચ અપાયાનું કહીને રામભાઈ મોકરીયાએ ફોન સ્વિચ ઓફ કર્યો : ડો.વસાવડાએ કહ્યું સાંસદ સામે ગુનો નોંધો 

 રાજકોટ, : ભાજપના રાજ્યસભાના સભ્ય રાજકોટના રામભાઈ મોકરીયાએ એક વાતચીતમાં પોતાની જમીનના પ્લાન માટે ફાયર એન.ઓ.સી. મેળવવા માટે રાજકોટ મનપાના ફાયરબ્રિગેડના ઓફિસર બી.જે.ઠેબાને રૂ।.૭૦,૦૦૦ની લાંચ આર્કિટેક્ટ મારફત આપ્યાનુ અને આ કામ નહીં થતા રકમ પરત આપી દેવાયાનો ઘટસ્ફોટ કર્યો હતો. જો કે આ વાત વાયરલ થઈને ભાજપમાં ભારે વિવાદ સર્જાતા આજે મોકરિયાએ આ અંગે અન્ય કશુ કહેવાનો ઈન્કાર કરીને ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. 

આ અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું કે સાંસદે લાંચ આપ્યાની વાત કરી છે પરંતુ, તે પાંચ વર્ષ પહેલાની વાત છે અને ત્યારે તેઓ રાજ્યસભાના સભ્ય ન્હોતા. વળી, આ રકમ તેમને પરત મળી ગયાનું પણ કહેવાયું છે ત્યારે ભાજપ આમા શુ કરે? લાંચ લેવી અને દેવી એ બન્ને ગુનો છે. 

જ્યારે કોંગ્રેસના નેતા ડો.હેમાંગ વસાવડાએ કહ્યું કે ખુદ સાંસદે કહેવું પડે કે લાંચ વગર કામ નથી થતું તે ગુજરાત મોડેલ કેવું છે તે દર્શાવે છે. લાંચ આપવી એ ગુનો જ છે ત્યારે રામભાઈ મોકરીયા સામે પણ ગુનો નોંધવો જોઈએ. 

ઉલ્લેખનીય છે કે આ જ સાંસદે અગાઉ ભાજપના એક વરિષ્ઠ નેતાએ પોતાના કરોડો રૂ।.પરત નહીં આપ્યાની પોસ્ટ સોશ્યલ મિડીયામાં મુકતા ભારે ચકચાર જાગી હતી. જો કે ત્યારે તેઓ આ વાતને વળગી રહ્યા હતા પરંતુ, આ નેતાનું નામ જાહેર કર્યું ન્હોતું.  આ પહેલા બે વર્ષ પહેલા રાજકોટના તત્કાલીન ધારાસભ્ય ગોવિંદ પટેલે સખિયા બંધુઓના એક કેસમાં પોલીસ કમિશનર સામે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે રૂ।. 75 લાખની લાંચ અપાઈ હતી. આ અન્વયે ઉચ્ચસ્તરીય તપાસ નિમાઈ હતી અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરી દેવામાં આવી હતી. 



Google NewsGoogle News