Get The App

ખેડૂત તરીકેના લાભો લેવા ભાજપના ધારાસભ્યની કરતૂત, પ્રમાણપત્રમાં ભાઈના ખોટાં નામ દર્શાવ્યા

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
ખેડૂત તરીકેના લાભો લેવા ભાજપના ધારાસભ્યની કરતૂત, પ્રમાણપત્રમાં ભાઈના ખોટાં નામ દર્શાવ્યા 1 - image


BJP MLA Raman Vora : ખેડૂતોને મળતા લાભ મેળવવા  ઇડરના ભાજપના ધારાસભ્ય રમણ વોરાના કરતૂત બહાર આવ્યાં છે. રમણ વોરાએ ખેડૂતનુ પ્રમાણપત્ર મેળવવા ‘ભાઇ’ ના નામ પણ નકલી દર્શાવી દીધા છે. આરટીઆઇ હેઠળ મળેલી માહિતીમાં આ વાતનો ચોંકાવનારો ખુલાસો થયો છે. નવાઇ ની વાત એછેકે, ધારાસભ્યના કરતૂતને ખુલ્લા પાડવા માટે ઇડર મત વિસ્તારના ભાજપના નેતાઓ જ મેદાને પડ્યાં છે. 

RTIમાં ખુલાસો, પાલજના તલાટી કમ મંત્રીએ આપેલા ખેડૂતના પ્રમાણપત્રમાં રમણલાલની ‘વોરા’ અટક જ ગાયબ 

ભાજપના ધારાસભ્ય રમણ વોરાએ ગાંધીનગર જિલ્લામાં પાલેજ ગામમાં સર્વે.નંબર.261માં ચાર એકર ત્રેવીસ ગુંઠા ખેતીની જમીન ખરીદી હતી. વિધાનસભાની ચૂંટણી વખતે રમણ વોરાએ એફિડેવિટમાં એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતોકે, આ મિલ્કત વારસામાં મળી નથી તો આ ખેતીની જમીન આવી ક્યાંથી એ પ્રશ્ન ઉઠ્યો છે.

વડાલી તાલુકાના જેતપુર ગામના રહેવાસી રાજુભાઇ પટેલે આરટીઆઇ કરતાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી છેકે, પાલેજમાં જે ખેતીની જમીન ખરીદી છે. જેમાં રમણ વોરાએ પુરાવા રજૂ કર્યાં છે જેમાં ઓગણજ ગામમાં સર્વે.719-3 અને ખાતા નંબર 347માં રમણભાઇ ઇશ્વરભાઇના નામે 0-79-81 ક્ષેત્રફળ સાથે ખેતીની જમીન દર્શાવી છે. આંખે ઉડીને વળગે તેવી વાત તો એછેકે, રમણ વોરાના ખેડૂતના પ્રમાણપત્રમાં ધારાસભ્યના ભાઇ તરીકે નરસિંહભાઇ ઇશ્વરભાઇ, નટવરભાઇ ઇશ્વરભાઇ, નરોત્તમભાઇ ઇશ્વરભાઇ દર્શાવાયા છે. હકીકતમાં ધારાસભ્યના ભાઇના નામ કઇંક જુદા છે. 

રમણ વોરાના ભાઇના નામ ડાહ્યાભાઇ ઇશ્વરભાઇ, હીરાભાઇ ઇશ્વરભાઇ, મોતીભાઇ ઇશ્વરભાઇ, સોમાભાઇ ઇશ્વરભાઇ છે. આ ઉપરાંત આખાય ખેડૂતના પ્રમાણપત્રમાં ‘વોરા’ જ અટક જ ગાયબ છે. બોગસ ખેડૂત બનવા માટે ભાજપના ધારાસભ્યએ કેટલી હદ વટાવી દીધી છે તેનો આ જીવંત પુરાવો છે. યાદ રહે, પાલજમાં ગામમાં જે ખેતીની જમીન ખરીદવામાં આવી છે તે ધારાસભ્ય રમણ વોરા ઉપરાંત પૂનમભાઇ કાળાભાઇ અને હિતેશ કાંતિભાઇના નામે પણ છે. આ ખેતીની જમીન આધારે રમણ વોરાએ ખેડૂત બની ઇડર મત વિસ્તારમાં પણ ખેતીની જમીનો ખરીદી છે. 

આ પણ વાંચો: અમદાવાદના રિંગ રોડ પરની હોટલો-કેફે બન્યા નશેડીઓના અડ્ડા, અહીં પોલીસ લેશે એક્શન?

દસક્રોઇ મામલતદારે જે ખેડૂતનું પ્રમાણપત્ર આપ્યુ છે જેમાં રમણ વોરા ઓગણજ ગામમાં સંયુક્ત જમીન ધરાવે છે તેવુ દર્શાવવામાં આવ્યુ છે. આ પ્રમાણપત્રમાં ધારાસભ્ય અમદાવાદ જિલ્લાના જોધપુરના વતની હોવાનું દર્શાવાયુ છે. ધારાસભ્યની પાલેજની જમીનની બધીય નોંધો જે ઓનલાઇન હોવી જોઇએ તે બધી નોંધો ડીલીટ કરી દેવાઇ છે. 

ધારાસભ્ય રમણ વોરાના દિલ્હીના આંટાફેરા કેમ ?

ઇડરના ભાજપના ધારાસભ્ય રમણ વોરાએ  દિલ્હીના આંટાફેરા મારવાનું શરૂ કર્યુ છે. એવી ચર્ચા છેકે, બોગસ ખેડૂત બનાવવા કૌભાંડ બહાર આવે તે પહેલાં રાજકીય શરણ મેળવવા રમણ વોરાએ અત્યારથી ધમપછાડા શરૂ કર્યાં છે. 

બોગસ ખેડૂતના કૌભાંડ મુદ્દે હાઇકોર્ટના દ્વાર ખખડાવવા તૈયારી

ઇડરના ભાજપના ધારાસભ્ય રમણ વોરાને નિયમોને નેવે મૂકીને ખેડૂત બનવાના અભરખાં જાગ્યા છે ત્યારે ભાજપના નેતાઓ આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવા તૈયારી કરી રહ્યાં છે. આ મામલે મુખ્યમંત્રીથી માંડીને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સુધી ફરિયાદ-રજૂઆત કરવામાં આવી છે.


Google NewsGoogle News