'પૈસાવાળા ટેબલ પર વજન મૂકી કામ કઢાવે છે...' ભાજપ ધારાસભ્યના નિવેદનથી નવી ચર્ચા છંછેડાઈ
Jitu Somani: સરકારની તંત્રના પ્રજાને સ્પર્શતા કામોમાં ઘોર લાપરવાહી સામે ઠેરઠેર વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતની યોજાયેલી સામાન્ય સભામાં જિલ્લાના વાંકાનેર મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ ભરી સભામાં કહ્યું હતું કે પૈસાવાળા માણસો ટેબલ ઉપર વજન મુકીને, ટેબલ નીચે વહીવટ કરીને કામ કઢાવી લે છે પણ ગરીબ લોકો આમ કરી શકતા નથી તેમના કામ કરવા અધિકારીઓ બંધાયેલા છે. આમ નાગરિકોના ટેક્સમાંથી જ અધિકારીઓને પગાર ચૂકવાય છે.
લાંચ વગર ગરીબોના કામ નહિ થતો હોવાનો આક્ષેપ
ધારાસભ્યએ લાંચ ન આપે તેવા ગરીબોના કામો થતા નહીં હોવાનો ખુલ્લો આક્ષેપ કરીને જિલ્લા પંચાયત પ્રમુખ, ડીડીઓ સહિત અધિકારીઓની હાજરીમાં રોષ સાથે કહ્યું કે અધિકારીઓ અમને જવાબ આપતા નથી ત્યારે આમ પ્રજાનું કામ શું કરવાના છે, ભંગાર રસ્તા માટે મેં વારંવાર કહ્યું કે કડક પગલા લો, નોટિસ આપો છતાં કેમ કાર્યવાહી કરતા નથી? એમ કહીને અધિકારીઓને પરખાવ્યું હતું કે અમને જવાબ દેતા ન હો તો અમે કાંઈ અહીં મંજીરા વગાડવા આવ્યા નથી.
ચેરમેનોની રજૂઆતો કચરાટોપલીમાં નાંખી દેવાય છે
આ ધારાસભ્યને બાદમાં પૈસાવાળા લોકો અધિકારીઓ સાથે વહીવટ કરે છે તે મુદ્દે પુછતા તેમણે કહ્યું કે, આવી મને ફરિયાદો મળી હતી તેના આધારે મેં કહ્યું છે. કારોબારી ચેરમેને પણ ધારાસભ્યની વાતમાં સૂર પુરાવતા કહ્યું કે મારા બે વિસ્તારના રોડના કામો યોગ્ય રીતે થયા નહીં હોવાથી પેમેન્ટ નહીં કરવા અને પગલા લેવા પત્ર લખ્યો છતાં અધિકારીઓએ પેમેન્ટ કરી નાંખ્યું છે. ચેરમેનોની રજૂઆતો કચરાટોપલીમાં નાંખી દેવાય છે. જિલ્લાના 213 પૈકી પર ગેરેંટીવાળા રસ્તા સહિત અનેક રોડ તુટી ગયા છે.