ભાજપના સભ્યપદ અભિયાનની પોલ ખૂલી, ટાર્ગેટ પૂરો કરવા વાલીઓને ટાર્ગેટ કરાતાં શાળાને નોટીસ
BJP Membership Campaign : વઢવાણના અણીન્દ્રામાં આવેલી એમ. આર. ગાર્ડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સદસ્યતા અભિયાનમાં મોબાઇલ લાવીને સદસ્ય બનાવ્યા હોવાનો આક્ષેપ થયા છે. આજે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ શાળાને નોટિસ ફટકારીને દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ત્યારે આ મામલે વિવાદ થયા બાદ પણ ફરી વખત વાલીઓને આ પ્રકારના સભ્ય બનવા માટેના મેસેજ લિંક મોકલાયાની ચર્ચા થવા લાગી છે.
અણીન્દ્રાની એમ. આર. ગાર્ડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તાજેતરમાં શાળાના વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ દ્વારા ઘરેથી મોબાઇલ લાવવાનું જણાવાતાં વિદ્યાર્થીઓ મોબાઇલ લઈને આવ્યા હતા અને ત્યારબાદ શાળાના શિક્ષકો દ્વારા ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવ્યા હોવાના આક્ષેપ થયા હતા. વધુ સભ્યો નોંધાય તે માટે વિદ્યાર્થીઓની નોંધણી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અણીન્દ્રા શાળાના આચાર્યએ જણાવ્યું કે, પોતે બહારગામ હોવાનું જણાવી સરકારની જી-શાળા એપ અને તેની જાણકારી તેમજ ડાઉનલોડ માટે વિદ્યાર્થીઓને મોબાઇલ લાવવા મેસેજ કર્યો હોવાનું જણાવ્યું હતું. અને વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય નહિ બનાવ્યા હોવાનો દાવો કર્યો છે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યા મુજબ, કોઈપણ શાળા કે વિદ્યાર્થીને કોઈપણ પક્ષ સાથે કાંઈ લેવા-દેવા નથી છતાં આ બનાવથી વિદ્યાર્થીઓની માનસિકતા પર વિપરીત અસર પડી છે. આથી અણીન્દ્રા શાળાને આ અંગે નોટિસ પાઠવવામાં આવી છે અને તપાસ બાદ કોઈ દોષીત જણાઈ આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જણાવ્યું કે, સદસ્યતા અભિયાનમાં વધુ સદસ્ય જોડી પક્ષમાં સારું દેખાડવા તેમજ જશ મેળવવા વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવી શાળામાં મોબાઇલ દ્વારા ભાજપના સદસ્ય બનાવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું કે, ભાજપના સદસ્યોની સંખ્યા બહોળી છે અને વિશાળ પક્ષમાં જોડાવવા માટે તેમજ સદસ્યતા અભિયાન માટે વિદ્યાર્થીઓની જરૂર નથી. આથી ભાજપ પક્ષને ઇરાદાપૂર્વક બદનામ કરવાના હેતુથી અન્ય પક્ષો દ્વારા સમગ્ર મામલો ઊભો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.