ગુજરાતમાં 'અદ્ભુત' ઘટના! ભાજપે કોંગ્રેસના ઉમેદવારને ચેરમેન બનાવી દેતાં થયો મોટો બળવો

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
marketyard


Khedbrahma Market Yard : ખેડબ્રહ્મા માર્કેટયાર્ડમાં અઢી વર્ષ માટે ચેરમેનની આજે ચૂંટણી યોજાતાં ડખા શરુ થયા છે. અઢી વર્ષ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હિરાભાઈ લવજીભાઈ પટેલને ભાજપ પક્ષે મેન્ડેટ આપીને માર્કેટયાર્ડના ચેરમેન બનાવ્યા હતા. જેના પગલે માર્કેટયાર્ડના ડિરેક્ટર, ભાજપ શાસિત સાબરકાંઠા જિલ્લા પંચાયતના પોશીનાની દંત્રાલ બેઠકના સદસ્ય અમરત શામળભાઈ પટેલે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું ધરી દીઘું છે. જ્યારે અમરત પટેલના સમર્થનમાં ખેડબ્રહ્વા યુવા મોરચાના પ્રમુખ અક્ષય પટેલે પણ રાજીનામું આપી દીઘું છે. 

યાર્ડના ડિરેક્ટર અમરત પટેલ, યુવા મોરચાના પ્રમુખ અક્ષય પટેલે વિરોધરૂપે ભાજપમાંથી રાજીનામું આપ્યું

ખેડબ્રહ્મા જૂની માર્કેટયાર્ડમાં ગુરુવારે અઢી વર્ષ માટે ચેરમેનની ચૂંટણી બપોરે 12 વાગ્યે યોજાઈ હતી. અઢી વર્ષ પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હિરાભાઈ લવજીભાઈ પટેલ(રહે. ચાંપલપુર)ને માર્કેટયાર્ડના ચેરમેન માટે ભાજપે મેન્ડેટ આપતા બિનહરીફ ચૂંટાઈ આવતાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભાજપશાસિત સાબરકાંઠા જિલ્લા પંચાયત પક્ષના નેતા, ખેડબ્રહ્મા માર્કેટયાર્ડના ડિરેક્ટર અમરતભાઈ શામળભાઈ પટેલ(રહે. મંત્રાલ)એ રાજીનામું આપી દીઘું હતું. અમરતભાઈ પટેલે રાજીનામાના પત્રમાં આક્ષેપ કર્યો છે કે, સિનિયર ભાજપના આગેવાન છે. તેમ છતાં હીરાભાઈને મેન્ટેડ શા માટે આપવો પડ્યો છે. સેન્સ વખતે પણ બહુમતી સભ્યોએ તેમના સેન્સ લીધી ન હતી. સાબર ડેરીમાં પણ મોટાભાગના કોંગ્રેસીઓને મેન્ડેટ આપવામાં આવ્યો છે. 

ભાજપના સિનિયર કાર્યકરોની સતત અવગણના થાય છે. ગત અને ચાલુ ટર્મમાં કોઈ સમિતિ આપી નથી. ચૂંટણી વખતે મહેનત કરીને આ સીટ અને પોશીના તાલુકા પંચાયતમાં ભાજપની સીટ બનાવી હતી. પાર્ટીમાં સતત અન્યાય થાય છે. તેથી ભાજપમાંથી રાજીનામુ આપ્યું છે. ખેડબ્રહ્મા તાલુકા યુવા મોરચાના પ્રમુખ અક્ષય પટેલે રાજીનામું આપી દીઘું છે અને જણાવ્યું છે કે, માર્કેટયાર્ડમાં સેન્સ પ્રક્રિયાની બહુમતીના વિરોધમાં આયાતી ઉમેદવારને મેન્ડેટ આપી મૂળ ભાજપના સિનિયર કાર્યકર્તા અને આગેવાનોની અવગણના કરી છે અને સાબરકાંઠાના સંગઠનની કાર્યશૈલીના વિરોધમાં ભાજપના પ્રાથમિક સભ્ય પદ અને યુવા મોરચા પ્રમુખ પદેથી રાજીનામુંં આપ્યું છે.

ભાજપના પાયાના કાર્યકરોની અવગણના થાય છે : અમરત પટેલ

માર્કેટયાર્ડની ચેરમેનની ચૂંટણીના વિવાદમાં ડિરેક્ટર અમરત પટેલે જણાવ્યું કે, ભાજપમાં હવે નિષ્ઠાવાન કાર્યકરોને અવગણવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસમાંથી આવેલાને હોદ્દા આપી દેવાય છે અને સિનિયર કાર્યકતાઓને પણ કોરાણે મૂકી દેવામાં આવે છે. 

ભાજપ પક્ષે મેન્ડેટ આપ્યો છે, બિનફરીફ ચૂંટાયો છું : હિરાભાઈ પટેલ 

અઢી વર્ષ માટે ચેરમેન બનેલા હિરાભાઈ પટેલે જણાવ્યું કે, ભાજપ પક્ષે મને અઢી વર્ષ માટે માર્કેટયાર્ડના ચેરમેનનો મેન્ડેટ આપ્યો હતો અને ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયો છું. 


Google NewsGoogle News