Get The App

'મશીન-બશીન આપણા બાપનું જ..', ભાજપના નેતાના પુત્રએ EVM કેપ્ચરનો વીડિયો લાઈવ કરતા હોબાળો

Updated: May 8th, 2024


Google NewsGoogle News
'મશીન-બશીન આપણા બાપનું જ..', ભાજપના નેતાના પુત્રએ EVM કેપ્ચરનો વીડિયો લાઈવ કરતા હોબાળો 1 - image


Lok Sabha Elections 2024: ગુજરાત સહિત દેશના 11 રાજ્યોની 93 બેઠક મંગળવાર (સાતમી મે)એ મતદાન થયું હતું. ગુજરાતમાં પાંચ વિધાનસભા સાથે 25 લોકસભા માટે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. જો કે દાહોદ લોકસભા બેઠક પર ઈવીએમ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી. જેનો વીડિયો પર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઈવીએમ કેપ્ચરિંગ બીજા કોઈએ નહીં પણ ભાજપ નેતાના જ પુત્ર વિજય ભાભોરે કર્યું છે. જોકે વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ છે. હાલ માહિતી મળી રહી છે કે, વિજય સામે પોલીસ ફરિયાદ કરાઈ છે અને તેની ધરપકડ પણ કરી લેવાઈ છે.

ભાજપના પુત્રએ ઈવીએમ કેપ્ચર કર્યું

દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તાર મહીસાગરના સંતરાપુર તાલુકાના પરથમપુર ગામમાં ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથ કર્મચારીઓને ધમકાવીને ઈવીએમ કેપ્ચર કર્યું હતું. એટલું જ નહીં વિજય ભાભોરે મતદાન મથક પરથી જ તેમના સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ પર આખી ઘટનાનો વીડિયો લાઈવ કર્યો હતો. આ વીડિયોમાં વિજય ભાભોર કહી રહ્યો છે કે  '5-10 મિનિટ ચાલે તે ચાલવા દો આપણે બેઠા છીએ. વિજય ભાભોર એટલે વાત ખલાસ, મશીન-બશીન આપણા બાપનું જ છે.' નોંધનીય છે કે, વિજય ભાભોરના પિતા રમેશ ભાભોર ભાજપના ગુજરાત પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ છે.

ચૂંટણી પંચે કરી કાર્યવાહી

દાહોદમાં બુથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા છે. ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે. રિપોર્ટ બાદ ચૂંટણી પંચ કાર્યવાહી કરશે. રિપોર્ટ આવ્યા બાદ એ બૂથ પર ફેર મતદાન કરાવવું કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે. બુથ અધિકારી સામે કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. કર્મચારી, પ્રિસાઈડિંગ ઓફિસર સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

બે આરોપીઓની ધરપકડ કરાઈ : મહિસાગર DySP

મહિસાગરના DyPS જે.જી. ચાવડાએ કહ્યું કે,  બે આરોપી વિજય ભાભોર અને મગન ડામોરની ધરપકડ કરાઈ છે. અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બુધમાં મોબાઈલ સાથે લાઇવ સ્ટ્રીમિંગ કરાયું છે. કલેક્ટરની ફરિયાદ અને વીડિયોના આધારે તપાસ ચાલુ છે. બીજા સ્થળો પર પણ વિવાદની ફરિયાદ મળી છે.

બોગસ મતદાન કરાવ્યાની પણ ચર્ચા

સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળીને બોગસ મતદાન કરાવ્યું છે. જો કે આ મામલે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ડૉ. પ્રભાબેન તાવિયાડે ફરિયાદ કરી છે. ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી આ મામલે રિપોર્ટ મંગાવ્યો હતો. હવે રીપોર્ટના આધારે ચૂંટણી પંચ નિર્ણય કરશે. આ વીડિયોની તપાસ કરવામાં આવશે. જો કે વિવાદ સર્જાયા બાદ વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વીડિયોને હટાવી દીધો હતો.


'મશીન-બશીન આપણા બાપનું જ..', ભાજપના નેતાના પુત્રએ EVM કેપ્ચરનો વીડિયો લાઈવ કરતા હોબાળો 2 - image


Google NewsGoogle News