અમરેલીમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ભાજપના જ નેતાએ લગાવ્યો આક્ષેપ
Amreli New : રાજ્યના ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી. જ્યારે અમરેલીના ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે સોશિયલ મીડિયામાં ચોંકાવનારી પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે દાવો કર્યો હતો કે, વેપારીઓ અને સરકારી અધિકારીઓ દ્વારા ટેકાના ભાવે ખરીદીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે.
મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ
રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિતના જિલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી સરકારે શરૂ કરી હતી. જો કે, મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં કેટલાક વેપારીઓ, અધિકારી અને મગફળીનું વાવેતર ન કર્યું હોય તેવા ખેડૂતોએ સાતબાર (7/12) રજૂ કરીને કૌભાંડ આચર્યું હોવાનું ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે જણાવ્યું હતું.
ડૉ. ભરત કાનાબારે શું કહ્યું?
ડૉ. ભરત કાનાબારે સોશિયલ મીડિયા માધ્યમ 'x' પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, 'આ વર્ષે ગુજરાત સરકારે મગફળી માટે નક્કી કરેલ ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે 250થી 350 રૂપિયા જેટલો તફાવત હતો. આ ભાવફેરનો ફાયદો લેવા મોટાભાગના માર્કેટ યાર્ડમાં વેપારીઓ, ખરીદી સાથે જોડાયેલા અધિકારીઓ અને વચેટિયાની ટોળકીઓ સક્રિય હતી. જેમણે મગફળીનું વાવેતર ન કર્યું હોય તેવા ખેડૂતની જમીનના સાતબાર (7/12) રજૂ કરીને બજારમાંથી નીચા ભાવે નબળી કક્ષાની શીંગ ખરીદી ટેકાના ભાવે ધાબડી દીધી. મિલી ભગતથી થયેલી આવી ખરીદીનો આંકડો કરોડોનો થાય છે. ધિક્કાર છે એ અધિકારીઓને જેમને સરકાર સાથે છેતરપિંડી કરી! ફટ છે એ વેપારીઓને જેમણે અન્યના સાતબાર (7/12) બતાવી બજારમાંથી ખરીદેલી શીંગ ટેકાના ભાવે પધરાવી દીધી! શરમ છે એ ખેડૂતોની હરકત પર જેઓ જાણ્યે-અજાણ્યે પોતાની જમીનના સાતબાર (7/12) અન્યોને આપી આ કાવતરામાં શામિલ થયા!'
સમગ્ર મામલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે અમરેલીના કોંગ્રેસના યુવા અગ્રણી નેતાએ રાજ્ય સરકાર પાસે માંગણી કરી હતી કે, ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં કૌભાંડ કરનારા વેપારી અને અધિકારીઓ વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને ભવિષ્યમાં હવે પછીની આવી કોઈ ભૂલ ન સર્જાય તેને લઈને યોગ્ય કાળજી રાખવા આવે.