ભાજપ વિસાવદરમાં પક્ષપલ્ટો કરનારા ભાયાણીને હવે ટિકીટ આપે તેવી શક્યતા

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
ભાજપ વિસાવદરમાં પક્ષપલ્ટો કરનારા ભાયાણીને હવે ટિકીટ આપે તેવી શક્યતા 1 - image


જુનાગઢ જિલ્લા ભાજપમાં આંતરિક વિરોધ વચ્ચે  પક્ષપલ્ટુને નહીં જીતાડતી અને કોઈનો ગઢ નહીં તેવી વિસાવદરની  ચૂંટણી રસપ્રદ બનશે  : 2022માં રીબડીયાને પણ પરાજ્ય મળ્યો હતો : કેશુભાઈ પટેલ અહીં 3 વાર જીત્યા પણ તેમના પુત્ર હાર્યા છે : નવોદિતને જીતાડી અહીંની પ્રજા  મોટા માથાને સબક શિખવાડે છે 

રાજકોટ, : ભાજપ હવે ગુજરાતમાં 182 અને લોકસભામાં 26 એમ તમામ બેઠકો પર અને તે પણ જંગી લીડથી જીતવા કાર્યકરોને ઉત્સાહિત કરી રહ્યો છે ત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપીને ભાજપમાં ઘરવાપસી કરનાર ભુપેન્દ્ર ભાયાણીને ફરી ટિકીટ આપવાની પૂરી શક્યતા હોવાનું રાજકીય સૂત્રોમાંથી જાણવા મળ્યું છે અને આ માટે ભાયાણીએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. પરંતુ, આ સામે ફરી ભાજપમાં આંતરિક વિરોધ ઉઠવાની પણ સંભાવના નજરે પડી છે. 

ભાયાણી અગાઉ જુનાગઢ જિલ્લા ભાજપમાં અને સરપંચ પદે હતા તે વખતે ભાજપના નેતાઓએ જ તેમનો વિરોધ કર્યો હતો. ટિકીટ નહીં મળવાથી તે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડયા હતા અને ઈ.સ. 2022માં જીત્યા હતા. હવે તેમનો પક્ષપલ્ટો બીનશરતી કહેવાય છે પરંતુ, વાસ્તવમાં ભાજપ પેટાચૂટણીમાં તેમને ટિકીટ આપે તેવી ગુપ્ત શરત સાથે તે પક્ષપલ્ટો કરીને તેમાં જોડાયાની ચર્ચા છે. તેમના પરિવારમાંથી કોઈને કે અન્ય માનીતાને ટિકીટ આપવા તેમણે માંગણી કરી નથી.

બીજી તરફ, વિસાવદરની જનતા ગુજરાતના ટ્રેન્ડથી અલગ રહી છે. તના ચૂંટણી ઈતિહાસમાં  ડોકિયુ  કરીએ તો ઈ. 1999 સુધી રાજ્યમાં અને દેશમાં કોંગ્રેસની  આણ પ્રવર્તતી ત્યારે પણ 6 ચૂંટણીઓમાં 4 વખત કોંગ્રેસ ઉપરાંત આ બેઠક પર એક વાર કિસાન મઝદુર પ્રજા પાર્ટી અને જનતાદળનો વિજય થયો હતો. 

ભાજપના દિગ્ગજ નેતા સ્વ.કેશુભાઈ પટેલ ઈ.સ. 1995 અને 1998 માં અહીં ભાજપમાંથી જીત્યા અને ઈ.2012 માં ભાજપ સરકાર સામે પરિવર્તન લાવવા ગુજરાત પરિવર્તન પાર્ટી પર તેઓ આ બેઠક પરથી જીત્યા હતા.પરંતુ, ઈ.સ. 2014માં તેમના પુત્ર ભરત પટેલને વિસાવદરની પ્રજાએ હરાવી કોંગ્રેસના હર્ષદ રીબડીયાને ચૂંટયા. રીબડીયા ફરી 2017માં ચૂંટાયા પરંતુ, પછી પક્ષ બદલીને ભાજપમાં જતા ગત ઈ. 2022ની ચૂંટણીમાં તેને પણ આ વિસ્તારે પરાજ્યનો સ્વાદ ચખાડયો હતો. હવે ભાયાણી પક્ષપલ્ટો કરીને ફરી મત માંગવા આવે ત્યારે મતદારોનો મિજાજ કેવો રહેશે અને ત્રીપાંખિયા જંગમાં મતોનું વિભાજન કોને ફળશે તે જંગ સમગ્ર રાજ્ય માટે રસપ્રદ બનશે. 


Google NewsGoogle News