કોંગ્રેસે બનાવેલા બોર્ડના ભાજપ સરકારે પાટિયા પાડી દીધા, રત્ન કલાકારો આપેલું વચન ભૂલાઇ ગયું
Ratna Kalakar Board: વર્ષ 1992માં કોંગ્રેસ સરકારે રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવ્યુ હતું. ત્યારબાદ ભાજપ સરકારે આ બોર્ડના પાટિયા પાડી દીધા છે. વર્ષ 2008માં ભાજપ સરકારે રત્નદીપ કૌશલ્ય વર્ધક યોજનાની જાહેરાતની સાથે સાથે મંદીમાં રૂ.1200 કરોડ રૂપિયાનો લાભ આપવાની વાત કરેલી પરંતુ આ બઘુય ભૂલાઇ ગયુ છે. આમ, હીરા ઉદ્યોગની સંપૂર્ણ અનદેખી કરવામાં આવી રહી છે.
રશિયન હીરો નહી ખરીદવાનો જી-7 દેશોનો નિર્ણય નુકશાનદાયી : કારીગરોને સહાય આપો
ગુજરાતના અસંખ્ય લોકોને રોજી આપતો અને પુષ્કળ વિદેશી હૂંડિયામણ રળી આપતો હીરા ઉદ્યોગ અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહ્યો છે. મંદીને લીધે 100થી વધુ રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે છતાંય કેન્દ્ર અને રાજ્ય સરકારને હીરા ઉદ્યોગ પ્રત્યે ચિંતા નથી.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપને ધનસંગ્રહ અને વોટ આપવામાં અગ્રેસર હીરા ઉદ્યોગને મંદીમાંથી બચાવવામાં ભાજપને રસ નથી. આજે કારીગરોને ફરજિયાત રજાઓ આપી દેવાઇ છે. એટલુ જ નહીં, પગાર પણ ઘટાડી દેવાયો છે.
આ પણ વાંચો: ગરબા મુદ્દે ગેનીબેન થયા ગરમ, સંઘવીને સણસણતો જવાબ, આપણે પાકિસ્તાન જવાની જરૂર નથી
મંદી પાછલ મુખ્ય કારણ એ છે કે, જી-7ના દેશો એટલે કે અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન અને યુનાઈટેડ કિંગડમના દેશોએ એવો નિર્ણય કરેલ છે કે, રશિયન રફ હીરાને ખરીદવામાં નહી આવે. હકીકતમાં ભારતમાં સૌથી વધારે રશિયન રફ લાવી ઘસવામાં આવે છે. આમ, નુકસાન રશિયા કરતા ભારતને વધુ થાય છે તેમ છતાં જી-7ના દેશોના અવિચારી નિર્ણય સામે પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી ચૂપ છે.
હીરા ઉદ્યોગમાં કામ કરનારા કારીગરો એ શ્રમિકો છે અને શ્રમિકો પાસેથી ક્યારેય વ્યવસાય વેરો લઈ શકાય નહીં, આમ છતાં ભાજપ સરકાર શ્રમિકો પાસેથી વ્યવસાય વેરો લઈ રહી છે. કોંગ્રેસે માંગણી કરે છે કે,જી-7ના દેશો નિર્ણય પરત લે.