રાપરમાં 500 ની નોટ આપી ભાજપ મત ખરીદવા નીકળ્યો
- પક્ષપલ્ટા પછી લોકશાહી ઉપર વધુ એક કલંક
- ભાજપના ખેંસ પહેરી પૂર્વ સુધરાઈ સભ્ય રૂ.પાંચસોની નોટના બદલામાં મત માંગતા હોવાનો વિડીયો વાયરલ
રાજકોટ : સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યેન કેન પ્રકારેણ સત્તા મેળવવાની ભુખમાં અંધ થઈને તમામ નીતિ-નિયમો, આદર્શોની ધજ્જીયા ઉડાડાઈ રહી છે. જુનાગઢ, જેતપુર સહિતના સ્થળે પક્ષપલ્ટા કરાવીને લોકોને મતાધિકારથી વંચિત કર્યા બાદ કચ્છના રાપરમાં ભાજપના કાર્યકરો રૂ।.પાંચસો-પાંચસોની નોટના થપ્પા લઈને એક એક નોટના બદલામાં કમળ માટે મત માંગતા હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર જાગી છે.
આ વિડીયોમાં દેખાય છે તે મૂજબ ભાજપનો ખેંસ પહેરીને થેલીમાં રૂ।.પાંચસોવાળી નોટોના બંડલો છે તેમાંથી કાર્યકર એક એક નોટ કાઢીને એક એક વ્યક્તિને રૂ।.પાંચસોની નોટ આપીને કમળના ફૂલને મત આપજો તેમ કહી રહ્યો છે. વિડીયો રીલીઝ કરનાર કોંગ્રેસના મહેશ રાજપૂતે જણાવ્યું કે રાપરમાં ભાજપ વિરુધ્ધ લોકોમાં રોષ છે, તેમાં ગેલીવાડી સોસાયટી શેરી નં.૯માં તો બોર્ડ લગાવ્યું છે જેમાં જણાવ્યા મૂજબ આ શેરીમાં કોઈ ગટર સાફ કરવા આવતું નથી, ઉનાળામાં ગંદુ અને ખારુ પાણી પીવા માટે અપાય છે અને તેથી આ સમસ્યા દૂર કરે તેને મત આપીશું.
કોંગ્રેસના આ નેતાએ જણાવ્યું કે આ રૂપિયા આપીને મત માંગનાર વ્યક્તિ ભાજપશાસિત નગરપાલિકાના પૂર્વ સભ્ય રહી ચૂક્યા છે અને નવા ઉમેદવાર પણ તેમની સાથે રહ્યા હતા. આ વખતે તેઓ રાપરમાં જ હતા અને પી.આઈ.વગેરેને ફરિયાદ કરી પણ પગલા લીધા નથી. ચૂંટણી પંચને પણ ફરિયાદ કરાઈ છે. આ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે પણ રાજકોટમાં વિડીયો મીડીયા સમક્ષ જાહેર કરીને ચૂંટણી પંચે સ્યુમોટો કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી હતી.