Get The App

ચેક રિટર્ન કેસમાં બોરસદ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી શૈલેષ પટેલને એક વર્ષની સજા

Updated: Mar 12th, 2025


Google News
Google News
ચેક રિટર્ન કેસમાં બોરસદ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી શૈલેષ પટેલને એક વર્ષની સજા 1 - image


- બોરસદના એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટનો ચૂકાદો

- પામોલના પૂર્વ સરપંચ રહી ચૂકેલા આરોપી શૈલેષ પટેલે તમાકુના ધંધા માટે મિત્ર પાસે ઉછીના લીધેલા રૂા. 8 લાખ પરત ન કર્યા : 16 લાખ 60 દિવસમાં પરત ચૂકવવા આદેશ

આણંદ : બોરસદ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને પામોલ ગામના પૂર્વ સરપંચ શૈલેષ ચતુરભાઈ પટેલને ચેક રિટર્ન કેસમાં બોરસદની કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી છે. આરોપી શૈલેષ પટેલે તમાકુના ધંધા માટે ખોડલ ઓટોના માલિક મિત્ર પાસેથી ઉછીના લીધેલા રૂા. ૮ લાખની બમણી રકમ એટલે કે ૧૬ લાખ ૬૦ દિવસમાં પરત કરવાનો પણ આદેશ કરાયો છે. જો આરોપી રકમ ચૂકવવામાં કસૂર કરે તો વધુ બે મહિનાની કેદની સજાનો હુકમ ફટકાર્યો છે. 

બોરસદના વૃંદાવનનગર પાણીની ટાંકી પાસે રહેતા અને ખોડલ ઓટોના માલિક મનહરસિંહ જસવંતસિંહ ઝાલા વાહનોના લે-વેચનો ધંધો અને ખેતી કરે છે. બોરસદ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને પામોલ ગામના પૂર્વ સરપંચ શૈલેષ ચતુરભાઈ પટેલ મનહરસિંહ ઝાલાના મિત્ર હતા. શૈલેષ પટેલ અવાર નવાર હાથ ઉછીના પેટે મનહરસિંહ પાસેથી રૂપિયા લઈ જતા હતા. ત્યારે શૈલેષ પટેલે તમાકુના ધંધાર્થે ઓક્ટોબર-૨૦૨૧થી માર્ચ-૨૦૨૩ સુધીમાં મનહરસિંહ ઝાલા પાસેથી ૮ લાખ રૂપિયા ટુકડે ટુકડે ચાર વખતમાં હાથ ઉછીના લઈ ગયા હતા. બાદમાં મિત્ર મનહરસિંહ ઝાલાએ નાણાં પરત આપવા માટે માંગણી કરી હતી. ત્યારે શૈલેષ પટેલે બેંક ઓફ બરોડા બોરસદ શાખાનો રૂા. ૮ લાખની રકમ ભરેલો ચેક તા. ૧૩-૧૦-૨૦૨૩ના રોજ આપ્યો હતો. જે બેંકમાં આપતા તા. ૧૬-૧૦-૨૦૨૩ના રોજ ફંડ ઈન્સફિસિયંડના શેરા સાથે ચેક રિટર્ન થયો હતો. ફરી ચેક તા. ૨૪-૧૧-૨૦૨૩ના રોજ પણ રિટર્ન થયો હતો. આ અંગે શૈલેષ પટેલને મૌખિક જાણ કરતા મનહરસિંહ ઝાલા સાથે ઉદ્ધતાઈથી વર્તન કરી રૂા. ૮ લાખ પરત આપ્ય ન હતા. આ અંગે મનહરસિંહ ઝાલાએ મિત્ર શૈલેષ પટેલ વિરૂદ્ધ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કેસ કર્યો હતો.

બોરસદની કોર્ટમાં આ ચેક રિટર્ન કેસ ચાલી જતા એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ મનિષભાઈ નંદાણીએ બોરસદ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને પામોલના પૂર્વ સરપંચ શૈલેષ પટેલને એક વર્ષની કેદની સજા ફટકારી છે. આરોપી શૈલેષ પટેલે ચેકની બમણી રકમ એટલે કે રૂા. ૧૬ લાખ મનહરસિંહ ઝાલાને ૬૦ દિવસમાં ચૂકવી દેવા હુકમ કર્યો છે. જો આરોપી રકમ ચૂકવવામાં કસૂર કરે તો વધુ બે મહિનાની કેદની સજા ભોગવવાનો પણ કોર્ટે હુકમ ફરમાવ્યો છે.

Tags :
Borsad-taluka-BJP-general-secretary-Shailesh-Patelsentenced-to-one-yearcheque-return-case

Google News
Google News