વાવ બેઠક : ગેનીબેનનો રાજકીય ગ્રાફ ગગડાવવા ભાજપ 'શામ, દામ, દંડ, ભેદ'ની નીતિ અપનાવવા તૈયાર
Vav By Election 2024: બનાસકાંઠાની વાવ બેઠક પર રસાકસીભર્યો ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાવવા જઇ રહ્યો છે. મતદારોને રિઝવવા ભાજપ,કોંગ્રેસ ઉપરાંત અપક્ષ ઉમેદવારે છેલ્લી ઘડીના પ્રયાસો કર્યા છે. આ ઉપરાંત ભાજપે ચારેક કેબિનેટ મંત્રીઓને પેટાચૂંટણીની જવાબદારી સોંપી છે તો કોંગ્રેસે પણ વર્તમાન-પૂર્વ ધારાસભ્યોને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. વાવ બેઠક જીતવા માટે બંને રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યુ છે.
અપક્ષ કોને નુકશાન કરશે તેના પર સૌની નજર
વાવ બેઠકમાં યોજાઇ રહેલી પેટાચૂંટણી ભાજપ,કોંગ્રેસ માટે રાજકીય પ્રતિષ્ઠાનો સવાલ બન્યો છે. લોકસભાની ચૂંટણીમાં બાનસકાંઠા બેઠક ગુમાવ્યા બાદ ભાજપ માટે આ બેઠક જીતવી અતિ જરૂરી છે. ગેનીબેન ઠાકોરનું રાજકીય ગ્રાફ નીચે ઉતારવા માટે ભાજપ માટે આ રાજકીય તક છે. આ જોતાં ભાજપ શામ,દામ,દંડ ભેદની નીતિ અપનાવી કોઇપણ ભોગે વાવ બેઠક જીતવા માંગે છે જેના ભાગરુપે ભાજપે મંત્રી બળવંતસિંહ રાજપૂત, ભાનુબેન બાબરિયા, કુંવરજી બાવળિયા ઉપરાંત બચુ ખાબડને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ વાવમાં અંડિગા જમાવ્યાં છે.
આ પણ વાંચો: ભાજપનો જ નહીં, પાટીલનો પાવર ઉતારવો છે...', અપક્ષ નેતા માવજી પટેલે 'કમળ'નું ટેન્શન વધાર્યું
આ તરફ, કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ગુરુવારથી વાવમાં ચૂંટણી પ્રચારમાં સામેલ થશે. કોંગ્રેસે પણ 12 વર્તમાન ધારાસભ્ય ઉપરાંત 50થી વઘુ પૂર્વ ધારાસભ્ય-નેતા,સંગઠનના પદાધિકારીઓને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. વાવમાં સામાજીક સમીકરણ આધારે જવાબદારી સોંપી છે.
મહત્વની વાત એ છે કે, ભાજપના બળવખોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ કોને નુકશાન પહોચાડશે તેના પર આખીય પેટાચૂંટણીની હાર-જીતનો આધાર છે. નોધનીય છે કે, વાવ બેઠક પર 30 ટકા ઠાકોર, 30 ટકા પટેલ-ચૌધરી, 12 ટકા દલિત, 9 ટકા બ્રાહ્મણ-રબારી મતદારો છે. આમ, દિવાળી પૂર્ણ થતાં જ મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓએ વાવમાં અંડિગા જમાવ્યાં છે. પૂરજોશમાં ચૂંટણી પ્રચાર જામ્યો છે. હવે કોણ બાજી મારશે તે તો પરિણામ બાદ જ ખબર પડશે.