બોરિયાવી અને ઓડ પાલિકામાં અપક્ષ ઉમેદવારોના લીધે ભાજપને કપરાં ચઢાણ
- મતદારોને રીઝવવા ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને આડે એક જ દિવસ બાકી, ઓબીસી અને ક્ષત્રિય નેતાઓને ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા
શુક્રવાર સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. ત્યારે ઉમેદવારો મતદારોના ઘરે ઘરે જઈ મતદારોને રીઝવવા મરણિયો દાવ ખેલી રહ્યા છે. ત્રણેય પાલિકા વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઓબીસી અને ક્ષત્રિય નેતાઓને પ્રચારમાં ઉતારવામાં આવ્યા છે.
આંકલાવમાં ધારાસભ્યએ ચૂંટણીનું કમાન સંભાળ્યું છે. આંકલાવ પાલિકામાં ભાજપ માટે કપરાં ચઢાણ છે.
તેવામાં અપક્ષ ઉમેદવારો દ્વારા પણ ભાજપને પછાડવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત વોર્ડ નં.પાંચ અને છમાં ભાજપ દ્વારા સસ્પેન્ડ કરાયેલા કાર્યકરો જુસ્સામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હોવાથી ભાજપને બંને વોર્ડમાં ભારે નુક્સાન થાય તેવી સંભાવનાઓ છે. પરિણામે ચૂંટણી જીતવા આણંદના નેતાઓ ચૂંટણી પ્રચારમાં ઉતર્યાં છે.
બોરિયાવીમાં ૨૪ બેઠકોમાંથી ૧૬ બેઠકો ઉપર ભાજપનું વર્ચસ્વ છે પરંતુ બોરિયાવીમાં અપક્ષ તથા એનસીપીના ટેકેદારોના કારણે ભાજપને જોરદાર ટક્કર મળે તેવી શક્યતા છે. જેથી બહુમતિ મેળવવા ભાજપના પીઢ કાર્યકરો મતદારોનો સીધો સંપર્ક સાધી રહ્યા છે.
જ્યારે ઓડ પાલિકાની ૨૪ બેઠકોમાંથી છ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બીનહરીફ થયા હતા. જેથી ઓડ પાલિકામાં બહુમતિ મેળવવા માટે માત્ર સાત બેઠકો જીતવાની હોવાથી ભાજપે સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી છે. અંતિમ ઘડીમાં તમામ પાલિકામાં દરેક ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા વિવિધ પ્રલોભનો આપવામાં આવે તેવી શક્યતા છે.