અમરેલીની તમામ પાલિકામાં ભાજપનો દબદબો, કાર્યકરોમાં જબરદસ્ત ઉત્સાહ: કોંગ્રેસ 5 બેઠકો પર સમેટાઈ
Gujarat Local Body Election Results: અમરેલી જિલ્લાની ચારેય બેઠકો ભાજપે કબજે કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમરેલી જિલ્લાની ચારેય નગરપાલિકા પર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. જિલ્લાની ચારેય પાલિકા માટે કુલ 59.72 ટકા મતદાન થયું હતું. રાજુલા અને જાફરાબાદમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા હતા. આ ઉપરાંત જામજોધપુરમાં પણ કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા હતા. જામજોધપુરની કુલ 28 પૈકી 27 પર ભાજપે પોતાની મ્હોર લગાવી હતી, તેમજ એક બેઠક પર AAPનો વિજય જોવા મળ્યો હતો.
સરેરાશ મતદાન 59.72 ટકા થયું
જાફરાબાદ નગરપાલિકા માટે 68.96 ટકા મતદાન થયું હતું. જ્યારે લાઠી નગરપાલિકા માટે 61.38 ટકા મતદાન થયું હતું. તો બીજી તરફ ચલાલા નગરપાલિકા માટે 58.11 ટકા મતદાન થયું હતું અને રાજુલા નગરપાલિકા માટે 55.40 ટકા મતદાન થયું હતું. એકંદરે 75,549 મતદારોમાંથી 46,310 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતાં ચારેય પાલિકામાં 59.72 ટકા સરેરાશ મતદાન થયું હતું.
અહીં યોજાઈ હતી મતગણતરી
જાફરાબાદ નગરપાલિકાની મતગણતરી મોડલ સ્કૂલ ખાતે 4 રાઉન્ડમાં યોજાઈ હતી. જેમાં કુલ ઉમેદવાર 23 હતા. જ્યારે ચલાલા નગરપાલિકાની મતગણતરી એમ કે ચંદારાણા વિધાલય ખાતે 6 રાઉન્ડમાં યોજાઈ હતી. જેમાં કુલ 48 ઉમેદવાર હતા. લાઠી નગરપાલિકાની મતગણતરી તાલુકા શાળા ખાતે 6 રાઉન્ડમાં યોજાઈ હતી. જેમાં કુલ 63 ઉમેદવાર હતા. રાજુલા નગરપાલિકાની મતગણતરી પ્રાંત કચેરી ખાતે 7 રાઉન્ડમાં યોજાઈ હતી. જેમાં કુલ 80 ઉમેદવાર હતા.