Get The App

વાવ બેઠક પર ચિત્ર થયું સ્પષ્ટ: કોંગ્રેસના ગુલાબસિંહ સામે ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઉતાર્યા મેદાનમાં

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
વાવ બેઠક પર ચિત્ર થયું સ્પષ્ટ: કોંગ્રેસના ગુલાબસિંહ સામે ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઉતાર્યા મેદાનમાં 1 - image


Swarupji Thakor BJP Candidate: વાવ વિધાનસભા બેઠક માટે ઉમેદવારોના નામને લઇને ખૂબ લાંબી રાહ જોવી પડી છે. છેલ્લી ઘડીએ બંને પક્ષોએ પોતાના ઉમેદવારના નામોની જાહેરાત કરી છે. આજે કોંગ્રેસે વાવ બેઠકના ઉમેદવાર માટે ગુલાબસિંહ રાજપૂતનું નામ કર્યું હતું. ત્યારબાદ હવે ભાજપે પણ પોતાના ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોરના નામ પર મહોર મારતાંની સાથે જ વાવ બેઠકની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. 

ભાજપ દ્વારા પહેલા 9 લોકોને સુચના આપવામાં આવી હતી, મેન્ડેટ છેલ્લી ઘડીએ આપવાની વાત હતી. કોંગ્રેસની રણનિતિ પણ એવી જ હતી. પરંતુ કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરતા ભાજપે સ્વરૂપજીને મેદાનમાં ઉતાર્યા તેથી બાકીના કોઈએ ફોર્મ ભરવાનું રહેતુ નથી. નારાજ લોકોને પણ મનાવી લેવાયા હોવાની ચર્ચા છે.

વાવ બેઠક પર ચિત્ર થયું સ્પષ્ટ: કોંગ્રેસના ગુલાબસિંહ સામે ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઉતાર્યા મેદાનમાં 2 - image

વર્ષ 2022માં ગેનીબેન સામે ચૂંટણી લડ્યા હતા સ્વરૂપજી

સ્વરૂપજી ઠાકોર વર્ષ 2022માં વાવ બેઠક પર યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે લડ્યાં હતાં. જેમા તેમની હાર થઈ હતી. ગેનીબેન ઠાકોરને 102513 મત મળ્યા હતા, જ્યારે સ્વરૂપજી ઠાકોરને 86912 મત મળ્યા હતા. એટલે કે સ્વરૂપજી ઠાકોર ગેનીબેન સામે 15,601 મતથી હારી ગયા હતા. 

આ પણ વાંચો: વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ ફાઈનલ, થરાદના પૂર્વ ધારાસભ્યને ફાળવાઈ ટિકિટ

ઠાકોર સમાજના અગ્રણી છે સ્વરૂપજી

સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સ્વરૂપજી ઠાકોર વર્ષ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને 48,634 મત મળ્યા હતા.

ગુલાબસિંહ રાજપૂતની રાજકીય સફર

કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. 2019 માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા. તેમણે યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે.  ગુલાબસિંહ રાજપૂતને રાજકારણ વારસામાં મળ્યું છે. વાવ-થરાદ વિધાનસભા ભેગી હતી ત્યારે દાદા હેમાભાઇ રાજપૂત 20 વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. 

આ પણ વાંચો: વાવ બેઠક પર જામશે રસાકસીભર્યો જંગ, ગેનીબેન ઠાકોરના કાકાએ અપક્ષ તરીકે નોંધાવી ઉમેદવારી

વાવ બેઠક પર 13 નવેમ્બરે યોજાશે ચૂંટણી

લોકસભા ચૂંટણી 2024માં રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું. જેમાં 26માંથી બે બેઠક ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી લડી હતી, જ્યારે બાકીની તમામ 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા. જો કે સુરત બેઠક બિનહરીફ થતા કોંગ્રેસે 23 બેઠકો પર ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી, જે બનાસકાંઠા બેઠક છે.

બનાસકાંઠાને 62 વર્ષે મહિલા સાંસદ મળ્યા 

પાકિસ્તાન બોર્ડરથી માંડ 30 કિ.મી. દૂર આવેલા બનાસકાંઠા લોકસભા બેઠકમાં ભારે જંગ જામ્યો હતો. ગુજરાતની આ લોકસભા બેઠક પર બે મહિલાઓ સામસામે છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે આ લડાઈ હતી અને અંતે ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળશે. 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.

ગેનીબેન ઠાકોર બે વાર જીતી ચૂક્યા છે વિધાનસભાની ચૂંટણી 

ગેનીબેન ઠાકોરનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ કોંગ્રેસમાં સક્રિય મહિલા રાજકારણી છે. તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા મતવિસ્તારમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેમાં તેમનો પરાજય થયો હતો. આ પછી ફરી 2017માં તેમણે વાવ મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6,655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા.


Google NewsGoogle News