'દુષ્કર્મીઓનું એન્કાઉન્ટર કરી દેવું જોઈએ....', ભાજપ ધારાસભ્ય શૈલેષ મહેતાના આ નિવેદન બાદ ભાજપ કોર્પોરેટરે કરેલી પોસ્ટ થઈ વાયરલ
Vadodara Politics : ગુજરાતમાં નવરાત્રિના પર્વ વચ્ચે દીકરીઓ સાથે દુષ્કર્મ અને ગેંગરેપની ઘટનાઓ બની હતી. જેમાં એક ઘટના વડોદરા જિલ્લાના ભાયલીમાં બની હતી. જે અંગે ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા (સોટ્ટા) એ માગ કરી હતી કે, ગેંગરેપની ઘટનાના આરોપીઓનું એન્કાઉન્ટર કરી દેવું જોઈએ. ત્યારે હવે વડોદરાના વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર આશિષ જોશીની સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં તેમણે દુષ્કર્મીઓને ગંભીર સજા કરવાની વાત કરનારાઓએ પહેલા પોતાના ગુના કબૂલવા જોઈએ પછી સલાહ આપવી જોઈએ તેવી વાત કરી છે. ત્યારે આ પોસ્ટને ધારાસભ્યના નિવેદન પર અપાયેલા વળતા જવાબ તરીકે જોવામાં આવી રહી છે. જેને લઈને વડોદરા ભાજપનો આંતરિક વિખવાદ સામે આવતો નજરે પડી રહ્યો છે.
વડોદરા ભાજપમાં અંદરો અંદર ડખા!
અગાઉ પણ વડોદરા ભાજપના નેતાઓ વચ્ચેની ખેંચતાણ સામે આવી ચૂકી છે. ત્યારે વધુ એક વખત વડોદરા ભાજપમાં નવો વિખવાદ સામે આવ્યો છે. વડોદરા ભાજપમાં આંતરિક વિખવાદનું ચિત્ર ઉપસી આવ્યું છે. કારણ કે થોડા દિવસ અગાઉ ધારાસભ્ય શૈલેષ મહેતાએ દુષ્કર્મના આરોપીઓને ફાંસી અને એન્કાઉન્ટ કરવા અંગેનું નિવેદન આપ્યું હતું. ત્યારે હવે તેની સામે ભાજપના જ કોર્પોરેટરે કંઈક એવી પોસ્ટ કરી છે કે જેના કારણે રાજનેતાઓમાં તે ચર્ચાનો વિષય બન્યો છે. શૈલેષ મહેતાના નિવેદનના ગણતરીના કલાકોમાં જ શૈલેષ મહેતાના જ અંગત કહેવાતા ભાજપ કોર્પોરેટર આશિષ જોશીએ સોશિયલ મીડિયા પર આડકતરી રીતે ધારાસભ્યને ટોણો મારતી પોસ્ટ કરી હતી. ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા અને ભાજપના કોર્પોરેટર આશિષ જોશી ખુબ નજીકના હતા. તેમણે બંનેએ એકબીજા સાથે લાંબા સમય સુધી કામ કર્યું છે. જોકે કોઈક કારણોસર બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે. જે અત્યાર સુધી અમૂક લોકો જ જાણતા હતા. જોકે કોર્પોરેટરની આ પોસ્ટ બાદ આંતરિક વિખવાદ ખુલીને સામે આવ્યો છે.
ભાજપના કોર્પોરેટરે કરેલી પોસ્ટ વાયરલ
ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ ફેસબુક પર પોસ્ટ કરતા લખ્યું કે, 'આજકાલના જે લોકો બળાત્કારના ગુનેગારો માટે ગંભીર સજા માગે છે એ લોકોએ પોતે કરેલા ગુના પણ અરીસા સામે ઉભા રહીને કબૂલી લેવા પછી સલાહ આપવી.' આ પોસ્ટ કરવા અંગે આશિષ જોશીએ જણાવ્યું હતું કે, રાજકીય લાભ લેવા આ પ્રકારનું નિવેદન કરતા નેતાઓને ટાંકીને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે.
પોસ્ટ અંગે આશિષ જોશીનો ખુલાસો
આશિષ જોશીએ ફેસબુક પર કરેલી પોસ્ટ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "પોલીસ વિભાગ અને ગૃહમંત્રીએ દુષ્કર્મ કેસમાં કરેલી ઝડપી કામગીરી સરાહનીય છે. પોલીસ આગામી દિવસોમાં પીડિતાને જરૂરથી ન્યાય અપાવશે. આ દેશમાં કાયદો સર્વોપરી છે. કાયદાથી ઉપર કોઈ નથી પરંતુ યુવાનોને આકર્ષવા અને રાજકીય લાભ લેવા નેતાઓ પોસ્ટ કરતા હોય છે. તેવા નેતાઓને ટાંકીને સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી છે અને તેમને પહેલા પોતે કરેલા ગુનાઓ જોવા જોઈએ એના બાદ નિવેદનો આપવા જોઈએ.'
યુવાનો રાજકારણથી પ્રેરાઈને ખોટા રસ્તે ના જાય અને શહેરનું વાતાવરણ ન બગડે. હું પણ એક હિન્દુ છું દુષ્કર્મની ઘટનાને વખોડું છું. આરોપીઓને મહત્તમ સજા થવી જોઈએ તેવી માંગ કરું છું. પરંતુ ઘટના બાદ ઘટનાનો રાજકીય ફાયદો લેવા અને યુવાનોને બહેકાવવા માટે આવા નિવેદનો આપનારથી દૂર રહેવું જોઈએ."
કોર્પોરેટરે કરેલી પોસ્ટ પર લોકોની પ્રતિક્રિયા
ભાજપ કોર્પોરેટરે ફેસબુક પર કરેલી પોસ્ટ પર કેટલીક કોમેન્ટ પણ કરવામાં આવી છે. જેમાંથી એક યૂઝરે લખ્યું કે, 'આવો તમારો આન્સર ના હોવો જોઈએ. તેનો મતલબ એવો થયો કે તમે જ ગુનેગારોને બચાવવા માટે મદદ કરો છો.' જોકે તેને જવાબ આપતા કોર્પોરેટરે કહ્યું કે, 'ગુનેગારોને તો કોર્ટ કડકમાં કડક સજા કરવાની જ છે, પણ આતો જે લોકો ગુનો કર્યા પછી બચી ગયા છે એનું શું?'
આ પણ વાંચો : રાજ્યમાં આગામી 24 કલાકમાં આ જિલ્લાને ઘમરોળશે મેઘરાજા, હવામાન વિભાગે આપ્યું યેલો એલર્ટ
ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ શું આપ્યું હતું નિવેદન?
'દુષ્કર્મના આરોપીઓનું એન્કાઉન્ટર કરતા ખચકાવવું ના જોઇએ, અને તે માટે પોલીસને સપોર્ટ કરવો જોઇએ...' તેવા બેબાક મત સાથે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા મીડિયા સમક્ષ આવ્યા હતા. ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ દીકરીઓ વિરૂદ્ધ બની રહેલી ઘટનાઓને રોકવા માટે પોલીસને ખુલી છૂટ આપવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, "આરોપીઓને ફાંસી આપવી જોઈએ અથવા તો એન્કાઉન્ટર કરી દેવા જોઈએ. બીજા રાજ્યોથી લોકો ગુજરાતમાં આવીને દીકરીઓ સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. સરકારને આ કેસમાં પોલીસની સાથે ઉભું રહેવું જોઈએ. જે હિસાબથી ઘટનાઓ બની રહી છે. તે જોતા લાગે છે કે પોલીસનો ડર નથી." તેમના નિવેદનના પગલે ભારે ચર્ચા જામી હતી. કેટલાકનું માનવું હતું કે, તેમણે રાજ્યના 6 કરોડ ગુજરાતીઓના મનની વાત કહી દીધી છે. જણાવી દઈએ કે, શૈલેષ મહેતાના આ નિવેદન બાદ રાજકીય ક્ષેત્રે ચર્ચા થઈ રહી છે કે શું ગુજરાતમાં પણ યોગી મોડલની જરૂર છે.
કોણ છે શૈલેષ મહેતા ?
મઘ્ય ગુજરાતની રાજનીતિમાં મોટું નામ ધરાવનારા શૈલેષ મહેતા ડભોઈથી ધારાસભ્ય છે. તેઓ વડોદરા શહેરની રાજનીતિમાં સક્રિય રહ્યા છે. એક વખત તેઓ શહેરના નાયબ મેયર રહી ચૂક્યા છે. હવે તેઓ વડોદરા ગ્રામ્યમાં આવનારી ડભોઈ વિધાનસભાથી બીજી વખત ધારાસભ્ય બન્યા છે. આ વિધાનસભા છોટા ઉદેપુર લોકસભામાં આવે છે.
વડોદરા બાદ સુરતમાં ગેંગરેપની ઘટના
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી દુષ્કર્મ-ગેંગરેપની ઘટનાઓ વધી રહી છે. વડોદરાના ભાયલીમાં ગેંગરેપની ઘટના બની હતી. ત્યારબાદ સુરતના માંગરોળમાં પણ ગેંગરેપની ઘટના બની હતી. જેને લઈને વિપક્ષ સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યું છે. તો બીજી તરફ ભાજપના ધારાસભ્ય આરોપીઓના એન્કાઉન્ટરની માંગ કરી રહ્યા છે.