સુરતના ભાજપના કોર્પોરેટરે દુષ્કર્મ અટકાવવા છત્રપતિ શિવાજી મહારાજના ચોરંગ કાયદો લાવવાની માંગણી કરી
Surat : સુરત સહિત સમગ્ર દેશમાં બળાત્કારનું પ્રમાણ વધી રહ્યું છે તેની સામે હવે ખુદ સુરત પાલિકાના એક અધ્યક્ષે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. દશેરાના દિવસે દુર્ગા યાત્રા નીકળી હતી. તેમાં જોડાયેલા ભાજપના આ નગર સેવકના હાથમાં પ્લે કાર્ડ હતું તેમાં લખ્યું હતું, અગર આજ દેશ મેં છત્રપતિ મહારાજ કા ચોરંગ કાયદા કિયા હોતા તો દેશ મેં એક ભી બળાત્કાર નહિ હોતા. તેમના આ પ્લે કાર્ડના કારણે વિવાદ ઉભો થયો છે. રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે તેમ છતાં પણ બળાત્કારના કાયદા નબળા છે. તેથી બળાત્કારનું પ્રમાણ વધી રહ્યું છે તેવી ચર્ચા શરૂ થઈ છે.
હાલમાં નવરાત્રી દરમિયાન સુરત સહિત રાજ્યમાં અનેક જગ્યાએ બળાત્કાર અને સામુહિક બળાત્કારની ઘટના બની છે તેના કારણે સામાન્ય લોકોમાં ભારે રોષ છે. સામાન્ય લોકોમાં રોષ સાથે સુરત પાલિકાના શાસક પક્ષ ભાજપના કોર્પોરેટર અને ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાઠેએ પણ સુર પુરાવ્યો છે. તેઓ દશેરાના દિવસે નિકળેલી દુર્ગા યાત્રામાં જોડાયા હતા. ત્યારે તેઓના હાથમાં બળાત્કારના ગુના અટકાવવા માટે એક બેનર હતું તે ચર્ચાનો વિષય બન્યો છે. આ બેનર પર એવું લખાયું હતું કે, અગર આજ દેશ મેં છત્રપતિ મહારાજ કા ચોરંગ કાયદા કિયા હોતા તો દેશ મેં એક ભી બળાત્કાર નહિ હોતા..આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, ગેંગરેપ અને બળાત્કારની ઘટના ઘણી જ ગંભીર છે. વડોદરા, માંગરોળમાં જે બનાવ બન્યો છે તે નિંદનીય છે. આ ઉપરાંત પુણામાં સુરતની દીકરી પર ગેંગરેપ થયો છે તેને પણ સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. તેઓએ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર હોય, ગુજરાત હોય કે બંગાળ હોય કે પછી અન્ય કોઈ રાજ્ય હોય તેમાં દિવસેને દિવસે બળાત્કારના અને નાની છોકરીઓના વિનય ભંગ કરવાના પણ બનાવો ખુબ જ વધ્યા છે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે સરકારને એ વિનંતી કરું છું કે છત્રપતિ શિવાજી મહારાજના શાસન દરમિયાન જે કોઈ આવી રીતે ગુનો કરે તેને તાત્કાલિક સજા આપવામાં આવતી હતી. હાલ સરકાર અને પોલીસ સારી કામગીરી કરે છે. પરંતુ સરકારે કાયદામાં સુધારો કરવાની જરૂર છે. અને અસંખ્ય બનાવ બને છે ગરીબની દિકરીઓ સાથે બનાવ બને છે અને ગરીબ સ્થિતિ હોવાના કારણે તેઓને મુશ્કેલી નડી રહી છે અને એ પરિવાર કેસ કરવા માંગતા નથી.
તેઓએ કહ્યું હતું કે, માંગરોળના કેસમાં પોલીસ ફરિયાદ બની છે આવા કેસનો નિખાલસપણે વિરોધ કરવામાં આવવો જોઈએ. સમાજના તમામ લોકોએ દિકરીઓને બચાવવું હોય તો લોકોએ ખુલીને બહાર આવવું પડશે. અને સરકારે ત્રણ મહિનાની અંદર આવા નરાધમનો સજા થાય તેવી જોગવાઈ કરવી પડશે. આવા કિસ્સામાં સરકારે દિકરીને સહાય પણ કરવી જોઈએ અને સરકારી વકીલ આપી ત્વરિત સજા થાય તેવો પ્રયાસ કરવો જોઈએ.
જોકે, તેમના આ નિવેદન અને પ્લે કોર્ડ બાદ કોંગ્રેસના કેટલાક નેતાઓએ વિવાદ ઉભો કર્યો છે. તેઓએ એવો કટાક્ષ કર્યો છે કે, મોદી અને રાજ્યના દાદાના રાજની સરકાર પર સુરતના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષને વિશ્વાસ નથી, તેથી તેઓ જાહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ જેવું શાસન હોવું જોઈએ તેવી સલાહ આપી રહ્યાં છે.