વડોદરા કોર્પોરેશનમાં ઐતિહાસિક ઘટના : હરણી દુર્ઘટના મુદ્દે ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ કોંગ્રેસની દરખાસ્તના સમર્થનમાં વોટીંગ કર્યું
Vadodara Harni Lake Boat Incident : વડોદરા શહેરના હરણી તળાવ ખાતે બનેલી ગોઝારી બોટ દુર્ઘટના મામલે કોંગ્રેસના કોર્પોરેટરોએ વળતર પેટે પીડીત પરિવારોને રૂપિયા 25 લાખ ચૂકવવા માટેની દરખાસ્ત બજેટમાં રજૂ કરી હતી. જેમાં સત્તાધારી પક્ષ ભાજપ આ મુદ્દો સ્વીકારવા તૈયાર ન થતા તે મુદ્દે વોટીંગ કરવાની પરિસ્થિતિ નિર્માઈ હતી. ભાજપના કાઉન્સિલર આશિષ જોષીએ પક્ષ વિરુદ્ધ જઈ કોંગ્રેસની દરખાસ્તને વોટીંગ દરમિયાન સમર્થન જાહેર કર્યું હતું. જે મામલે સભામાં સોપો પડી ગયો હતો.
પાલિકાની મળેલી બજેટ સભામાં તમામ ચર્ચા બાદ આખરે કોંગ્રેસ દ્વારા રજૂ થયેલ વિવિધ દરખાસ્ત પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસે પોતાની લેખિત દરખાસ્તોમાં હરણી બોટ દુર્ઘટના અંગેની એક અલગથી દરખાસ્ત આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, હરણી તળાવમાં કોર્પોરેશને પીપીપી ધોરણે જે ઇજારો આપ્યો હતો. તેમાં ઇજારદારે ક્ષમતા કરતા વધારે લોકો બેસાડતા ન્યુ સનરાઈઝ સ્કુલના 12 બાળકો અને બે શિક્ષકો સહિત કુલ 14 વ્યક્તિઓના મોત થયા હતા. ગોઝારી ઘટનામાં આજ દિન સુધી પાલિકા તરફથી કોઈપણ વળતર જાહેર કરાયું નથી. ત્યારે પીડિત દરેક પરિવારના સભ્યોને રૂપિયા 25 લાખ મળવા જોઈએ તેવી દરખાસ્ત કોંગ્રેસ દ્વારા રજૂ થઈ હતી. ચર્ચા દરમિયાન કોઇ સર્વસંમતિ સંધાઈ ન હતી. જેથી મેયર પિન્કીબેન સોનીએ વોટીંગ કરાવ્યું હતું. તમામ કોંગ્રેસના પક્ષના સભ્યોએ હરણી બોટકાડના પીડીત પરિવારને 25 લાખનું વળતર આપવું જોઈએ એ બાબતને અસરકારક રીતે રજૂ કરી હતી. વોટિંગમાં કોંગ્રેસના તમામ સભ્યોએ દરખાસ્ત મંજૂર કરવા હાથ ઊંચો કરતા તેઓના સમર્થનમાં ભાજપના કોર્પોરેટર આશિષ જોષીએ પણ કોંગ્રેસની દરખાસ્તની સમર્થનમાં વોટીંગ કર્યું હતું. જેથી એક તબક્કે સમગ્ર સભામાં શોપો પડી ગયો હતો. પરંતુ બીજી તરફ દરખાસ્તને નકારતા બહુમતીના જોડે ભાજપના સભ્યોએ આ દરખાસ્ત એકજૂથ થઈ ફગાવી દીધી હતી. ભાજપના કાઉન્સિલર આશિષ જોષીએ પક્ષ વિરુદ્ધ જઈ કરેલ મતદાનની હવે શું અસર થાય છે? તે ભવિષ્યમાં જોવાનું રહ્યું.