વડોદરામાં વિશ્વામિત્રી નદી ઊંડી કરવાની કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવા મુદ્દે ભાજપ-કોંગ્રેસના સભ્યોનો હોબાળો
Vadodara Vishwamitri Project : વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત વર્ષે પૂર આવ્યું તે બાદ હવે નદી ઊંડી કરવાની કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ થશે કે કેમ તે અંગે ભાજપના કોર્પોરેટર મનીષ પગારેએ રજૂઆત કરતા અન્ય ભાજપના સભ્યોએ પણ આ અંગે રજૂઆત કરી હતી. તેની સામે કોંગ્રેસના નેતા ચંદ્રકાંત ભથ્થુંએ જણાવ્યું કે કોના કહેવાથી અને કોના દબાણને વશ થઈને ટેન્ડરો ઇન્વાઇટ કર્યા હતા.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આજથી શરૂ થયેલી બજેટ બેઠકમાં વિશ્વામિત્રી મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો. બજેટ બેઠકમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા તેમણે કરેલા નિવેદનમાં વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને ઊંડી કરવા તેમજ વરસાદી કાંસ અને તળાવો ઊંડા કરવા તેમજ નવા તળાવો પણ બનાવવામાં આવનાર છે તે અંગેની માહિતી રજૂ કરી હતી. જેની સામે ભાજપના જ કોર્પોરેટર મનીષભાઈ પગારે જણાવ્યું હતું કે ગત વર્ષે જે રીતે વડોદરા શહેરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી અને મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હતું. ત્યારે હવે આગામી ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી સહિત અને તળાવો ઊંડા કરવાની કામગીરી પૂર્ણ થશે કે કેમ તે અંગે પ્રશ્ન કરતા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે અને ટૂંક સમયમાં આ કામગીરી શરૂ થશે. ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ થાય તેવા પ્રયત્ન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ સમયે મનીષ પગારેએ જણાવ્યું કે ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ થશે કે નહીં તેની જાણકારી મેળવવામાં તમામ સભ્યોને અને વડોદરાની પ્રજાને રસ છે પ્રયત્ન થશે કે નહીં તે જાણવામાં રસ નથી તેમ કહેતા ભાજપના અને કોંગ્રેસના તમામ સભ્યોએ ભાજપના સભ્યની સાથે સુર પુરાવ્યો હતો.
વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુએ સ્પષ્ટ જણાવ્યું કે કોર્પોરેશનમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગેના ટેન્ડર મંગાવાની કામગીરી થઈ હતી અને સ્થાયી સમિતિમાં ટેન્ડર રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોના દબાણને વશ થઈને ટેન્ડર રી ઇન્વાઇટ કરવાનો નિર્ણય કર્યો હતો તે જાહેર કરવો જોઈએ. વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચોમાસા પહેલા પૂર્ણ કરવા 100 દિવસનો સમય હતો પરંતુ હવે પૂરતો સમય રહ્યો નથી ત્યારે આ પ્રોજેક્ટ વહેલી તકે અમલમાં મૂકી ચોમાસા પહેલા વિશ્વામિત્રી ઊંડી કરવાની કામગીરી કરવાની માંગણી થઈ હતી.